બોલિવૂડના મંજાેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પુત્રી શોરા હાલ ભલે સોશિયલ મીડિયા વીડિયોઝ અને નાટકોના કારણે ચર્ચામાં રહેતી હોય, પરંતુ પિતા તરીકે નવાઝુદ્દીન તેને ફિલ્મી દુનિયામાં ઉતારવામાં કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીને ખુલાસો કર્યો હતો કે તેમની ૧૬ વર્ષીય પુત્રી શોરાને અનેક ફિલ્મ નિર્માતાઓ તરફથી ઓફરો મળી રહી છે, પરંતુ તેમનું માનવું છે કે અભિનય ક્ષેત્રે ઝંપલાવતા પહેલા બાળકીએ પોતાનું શિક્ષણ પૂરું કરવું અનિવાર્ય છે. પિતા તરીકે તેમની ઈચ્છા છે કે શોરા પહેલા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને ૧૮ વર્ષની વય વટાવ્યા બાદ જ ફિલ્મી પડદે પગ મૂકે.
શોરામાં અભિનય પ્રત્યેનો ઉત્સાહ બાળપણથી જ જોવા મળ્યો છે, જેને પોષવા માટે નવાઝુદ્દીને તેને પૂરતી તકો પણ આપી છે. પિતા અને પુત્રીએ સાથે મળીને અમેરિકામાં ૧૦ થી ૧૨ સ્ટેજ શો કર્યા છે અને શોરાએ લંડનમાં ખાસ અભિનય વર્કશોપ પણ એટેન્ડ કર્યા છે. નવાઝુદ્દીન ઇચ્છે છે કે સ્ટેજ થિયેટરના અનુભવ ઉપરાંત શોરા દોઢથી બે વર્ષનો કોઈ સારો એક્ટિંગ કોર્સ પણ કરે, જેથી તેનો પાયા મજબૂત બને. માત્ર સામાન્ય મનોરંજનવાળી ફિલ્મો જોવાને બદલે નવાઝુદ્દીન તેને 'ધ ગોડફાધર', 'પલ્પ ફિક્શન' તેમજ નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવી દિગ્ગજ કલાકારોની ગંભીર અને કલાત્મક ફિલ્મો જોવાની ટેવ પાડી રહ્યા છે, જેથી તેની સમજ વધુ વિકસે.
શરૂઆતમાં શોરાને આવી ગાઢ અને ગંભીર ફિલ્મો જોવામાં થોડો કંટાળો આવતો હતો અને તે આ ફિલ્મોથી દૂર ભાગતી હતી, પરંતુ સમય જતાં તેને સિનેમાની આ ઊંડાણપૂર્વકની કળા માણવાની મજા પડવા લાગી છે. નવાઝુદ્દીન માને છે કે આજની યુવા પેઢી ખૂબ હોશિયાર છે અને ચીજો ઝડપથી શીખી લે છે, પરંતુ પ્રોફેશનલ અભિનેત્રી તરીકે જ્યારે તે ડેબ્યૂ કરે ત્યારે તેનો પ્રભાવ દર્શકો પર અમીટ રહેવો જોઈએ. આ જ કારણ છે કે તેઓ પોતાની પુત્રીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરવા માટે ઉતાવળિયા બનવા દેવાને બદલે તેને ધૈર્યપૂર્વક સિનેમાની બારીકાઈઓ શીખવી રહ્યા છે.
