ચીનની 'નોર્થવેસ્ટર્ન પોલિટેકનિકલ યુનિવર્સિટી' દ્વારા તાજેતરમાં સ્થાનિક નેટવર્ક ટેકનોલોજી કંપની પાસેથી ૧,૨૩,૦૦૦ ડલરથી વધુ કિંમતના બે અત્યાધુનિક એચ૨૦૦ એઆઈ ચિપ્સ સીધી ખરીદી કરવામાં આવી હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે. આ યુનિવર્સિટી બેઇજિંગના પીપલ્સ લિબરેશન આર્મી સાથે ગાઢ સંબંધો ધરાવતી સંસ્થાઓના જૂથનો ભાગ છે અને અમેરિકી સરકાર દ્વારા તેને ૨૦૦૧થી જ વેપાર પ્રતિબંધિત યાદી એટલે કે એન્ટિટી લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. આ સંસ્થા મિસાઈલ પ્રસાર અને સૈન્ય વિમાન સંશોધનો સાથે સીધી રીતે જોડાયેલી હોવા છતાં, તેણે માત્ર ડાયરેક્ટ ખરીદી જ નહીં પરંતુ વિવિધ કરાર હેઠળ ક્લાઉડ સર્વર્સ દ્વારા આવા પ્રતિબંધિત પ્રોસેસર્સની રેન્ટલ કેપેસિટી પણ મેળવી છે.
આ સમગ્ર મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ અમેરિકામાં ચીનને એઆઈ ચિપ્સના વેચાણ પરના પ્રતિબંધો હળવા કરવા માટે દબાણ કરી રહ્યા હોવાના અહેવાલોને લઈને ભારે તપાસનો સામનો કરી રહ્યા છે. હુઆંગનું માનવું છે કે ચીનને ચિપ્સનું વેચાણ ચાલુ રાખવાથી અમેરિકી ટેકનોલોજીનું વર્ચસ્વ જળવાઈ રહેશે, પરંતુ અમેરિકી સંસદસભ્યો અને નીતિઘડવૈયાઓનું સ્પષ્ટમત છે કે આવા શક્તિશાળી પ્રોસેસર્સ ચીનની સૈન્ય આધુનિકીકરણ અને શસ્ત્રોની બનાવટને વધુ ઝડપી બનાવશે. રિપોર્ટ્સ અનુસાર, આ ખરીદી દર્શાવે છે કે કડક આંતરરાષ્ટ્રીય કાયદાઓ હોવા છતાં ચીની સંસ્થાઓ સ્થાનિક સપ્લાયર્સ અને ત્રીજા પક્ષના માધ્યમથી અત્યાધુનિક અમેરિકી ટેકનોલોજી મેળવવામાં સફળ થઈ રહી છે.
માત્ર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી જ નહીં, પરંતુ શેનઝેન યુનિવર્સિટી, વુહાન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને બેઈજિંગ યુનિવર્સિટી જેવી અન્ય અગ્રણી ચીની સંસ્થાઓ પણ એચ૧૦૦ (H100), એ૧૦૦ (A100) અને એ૮૦૦ (A800) જેવા અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરાયેલા ચિપ્સ મોટા પ્રમાણમાં ખરીદી રહી છે કે ભાડેથી વાપરી રહી છે. ચીન સરકારી ખરીદીના આંકડાઓ દર્શાવે છે કે આ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય બ્લેકલિસ્ટની પરવા કર્યા વિના છુપી રીતે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંસાધનો એકત્રિત કરી રહી છે. આ પરિસ્થિતિએ વૈશ્વિક સ્તરે અમેરિકી નિકાસ નિયંત્રણોના અમલીકરણ અને તેની મજબૂતાઈ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
