ઇંગ્લિશ પ્રીમિયર લીગની દિગ્ગજ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ હાલમાં ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. વર્તમાન સિઝનમાં ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને તે પોઈન્ટ ટેબલમાં ૧૮માં સ્થાને સંઘર્ષ કરી રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્લબ મેનેજમેન્ટે ટીમને રેલિગેશનના ખતરામાંથી બહાર લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. 'ધ એથ્લેટિક'ના અહેવાલ મુજબ, માન્ચેસ્ટર યુનાઈટેડે યુએસ સોકર ફેડરેશનનો સંપર્ક કરીને મૌરિસિઓ પોચેટીનોને પોતાના મુખ્ય મેનેજર તરીકે નિયુક્ત કરવાની તૈયાફી શરૂ કરી દીધી છે.
આ સંભવિત કરારને કારણે યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને મોટો ફટકો પડી શકે છે, કારણ કે પોચેટીનોના માર્ગદર્શન હેઠળ જ ટીમ ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપમાં પ્રીક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. યુએસ સોકર સાથેના પોચેટીનોના વર્તમાન કરાર મુજબ, ૨૦૩૦ના વર્લ્ડ કપ સુધી તેમની સેવાઓ અમેરિકન ટીમ માટે નક્કી હતી. જો કે, માન્ચેસ્ટર યુનાઈટેડ આ કરાર તોડવા માટે ૧૦ મિલિયન ડોલરની રિલીઝ ક્લોઝની રકમ ચૂકવવા માટે તૈયાર છે. આ ઉપરાંત, પોચેટીનો સાથે તેમના સહાયક કોચને પણ ઇંગ્લિશ ક્લબમાં લાવવા માટે યુએસ સોકરને વધારાનું વળતર ચૂકવવું પડશે.
જો માઈકલ કેરિકના સ્થાને ૫૪ વર્ષીય અર્જેન્ટીનાના દિગ્ગજ મૌરિસિઓ પોચેટીનોની નિમત્તા સત્તાવાર રીતે જાહેર થાય છે, તો પ્રીમિયર લીગમાં આ તેમની ચોથી ક્લબ બનશે. અગાઉ તેઓ સાઉધમ્પ્ટન, ટોટનહામ હોટસ્પાર અને ચેલ્સી જેવી ખ્યાતનામ ક્લબ્સનું સફળ માર્ગદર્શન કરી ચૂક્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં અમેરિકન ટીમના કોચ બનેલા પોચેટીનો હવે ફૂટબોલ જગતની સૌથી મોટી બ્રાન્ડમાંથી એક ગણાતી માન્ચેસ્ટર યુનાઈટેડને તેનો ખોવાયેલો વૈભવ અપાવવા માટે મેદાનમાં ઉતરશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
