અમેરિકાના દક્ષિણ કેરોલિનામાંથી એક અત્યંત હચમચાવી નાખતી અને રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. કોલંબિયા નજીકના એક વિસ્તારમાં સોમવારે ૧૧ મહિનાનો કોઆ શાર્પ નામનો માસૂમ બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. બાળકની દાદી જરૂરી કામ અર્થે બહાર ગયા હતા અને બાળકને તેના પિતા માઈકલ કોમરની દેખરેખ હેઠળ મૂકી ગયા હતા. પરંતુ જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે બાળક અને પિતા બંને ગાયબ હતા. બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આશરે ૧૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ તથા અધિકારીઓએ બાળકની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકના દાદાના ઘરની આસપાસના જંગલ વિસ્તારમાં જમીન તાજેતરમાં જ ખોદીને સરખી કરી હોય તેવા શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્યાં ખોદકામ શરૂ કર્યું, જે દરમિયાન એક કૂતરાનું પિંજર મળી આવ્યું હતું. આ પિંજરાને એક ટુવાલ વીંટીને તેમાં ૧૧ મહિનાના માસૂમ કોઆ શાર્પને જીવતો દાટી દેવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ અધિકારીઓએ પિંજર બહાર કાઢ્યું ત્યારે બાળક જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને માંડ શ્વાસ લઈ રહ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે બાળકના શરીર પર વીંટોળાયેલા ટુવાલના કારણે એક નાની એર પોકેટ (હવાની જગ્યા) બની ગઈ હતી અને ત્યાંનું ઠંડુ વાતાવરણ પણ બાળકનો શ્વાસ ચાલુ રાખવામાં સહાયરૂપ બન્યું હતું, જેનાથી એક મોટો ચમત્કાર સર્જાયો.
આ ઘટનાના તારણો જોડતા પોલીસને જાણ થઈ કે પિતા માઈકલ કોમરે અગાઉ કથિત રીતે બાળકને ન્યૂયોર્ક લઈ જવાની ધમકી આપી હતી કારણ કે તે બાળકની માતા સાથે રહેવા માંગતો ન હતો. આસપાસના સીસીટીવી ફૂટેજ અને પિતાની શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે સોમવારે જ રાત્રે માઈકલ કોમરની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પિતા અગાઉ ઘરેલુ હિંસા અને અન્ય ગુનાહિત કેસોમાં સંડોવાયેલો રહી ચૂક્યો છે અને તેને કોર્ટ દ્વારા પ્રોબેશન પણ આપવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ ક્રૂર કૃત્ય પાછળના ચોક્કસ હેતુની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
