JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા ગ્રુપમાં સત્તા સંઘર્ષના એંધાણ: નોએલ ટાટાની વિદાય બાદ હોલ્ડિંગ કંપનીની મંજૂરી વગર જ નવા વડાઓની નિમણૂક

| By JAMNAGAR MIRROR
ટાટા ગ્રુપમાં સત્તા સંઘર્ષના એંધાણ: નોએલ ટાટાની વિદાય બાદ હોલ્ડિંગ કંપનીની મંજૂરી વગર જ નવા વડાઓની નિમણૂક
ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સને જાણ કર્યા વગર જ કેટલીક જૂથ કંપનીઓમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવતા ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સ વચ્ચે સત્તાની રસાકસી સામે આવી છે.

દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપમાં આંતરિક સત્તા સંઘર્ષના અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ૭૦ વર્ષની વયૂ મર્યાદા પૂરી થતાં નોએલ ટાટાએ ટ્રેન્ટ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન સહિતની કેટલીક કંપનીઓના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને બહેરામ વકીલ, સુનીલ ડિસોઝા અને ટી.વી. નરેન્દ્રન જેવા દિગ્ગજોને નવી જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, આ તમામ નિમણૂકો કરતી વખતે ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની એટલે કે ટાટા સન્સની પરંપરાગત મંજૂરી લેવામાં આવી નહોતી, જેના કારણે ટાટા સન્સના વહીવટી વર્તુળોમાં આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

આ સમગ્ર ઘટનાક્રમ ટાટા ટ્રસ્ટ્સ અને એન. ચંદ્રશેખરનની આગેવાની હેઠળની ટાટા સન્સ વચ્ચે સત્તા અને ઓપરેટિંગ કંપનીઓના નિર્ણયોમાં હોલ્ડિંગ કંપનીની ભૂમિકાને લઈને ચાલી રહેલા મતભેદોને ઉજાગર કરે છે. અગાઉની પરંપરા મુજબ ગ્રુપની કોઈપણ કંપનીમાં ટોચના પદો પર નિમૂણક કરતા પહેલા ટાટા સન્સની મંજૂરી લેવી અનિવાર્ય માનવામાં આવતી હતી. નોએલ ટાટાના સમર્થકોનો દાવો છે કે ટાટા સન્સ પોતે જ સમયસર ઉત્તરાધિકારની પ્રક્રિયામાં પૂરતો રસ દાખવ્યો નહોતો અને નિવૃત્તિની જાહેરાત અગાઉથી જ કરવામાં આવી હોવા છતાં યોગ્ય સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.

કાનૂની નિષ્ણાતોના મતે, કંપની ધારા, ૨૦૧૩ હેઠળ કોઈપણ પ્રમોટર કે હોલ્ડિંગ કંપનીની મંજૂરી વગર બોર્ડ પોતાના સ્તરે ચેરમેનની પસંદગી કરી શકે છે, સિવાય કે કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં ખાસ જોગવાઈ હોય. આમ, આ વિવાદ કાનૂની માન્યતાનો નહીં પરંતુ ગ્રુપની આંતરિક સત્તા, પરંપરા અને સમાંતર સત્તા કેન્દ્રોના ઉદભવનો છે. આ મુદ્દો આગામી બોર્ડ મીટીંગમાં ચર્ચામાં આવી શકે છે અને તેનાથી ગ્રુપની કેન્દ્રીય લીડરશિપ સામે સ્વતંત્ર રીતે કામ કરતી ઓપરેટિંગ કંપનીઓની દિશા પર પણ સવાલો ઉભા થયા છે.

LATEST ARTICLES