JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગના પદ પર તોળાતું જોખમ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરી શકે છે મોટી બેઠક

| By JAMNAGAR MIRROR
એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગના પદ પર તોળાતું જોખમ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરી શકે છે મોટી બેઠક
વ્યક્તિગત વિવાદો અને ચીની ગુપ્તચર એજન્સીઓ સાથેના કથિત સંબંધોના અહેવાલો વચ્ચે એનવીડિયાના સહ-સ્થાપક અને સીઈઓ જેેનસન હુઆંગને પદ પરથી હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેનાથી ટેક જગતમાં ભારે હલચલ મચી છે.

વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપના ક્ષેત્રમાં સર્વોપરી ગણાતી અગ્રેસર કંપની 'એનવીડિયા' (Nvidia) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેેનસન હુઆંગનું ભવિષ્ય હાલ જોખમમાં મુકાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેેનસન હુઆંગના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમથી યુએસ (અમેરિકા) વહીવટીતંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે, અને હુઆંગને તેમના પદ પરથી હટાવવાની યોજનાઓ પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. આ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિએ ટેકનોલોજી ઉદ્યોગને ચોંકાવી દીધો છે, કારણ કે હુઆંગે વર્ષ ૧૯૯૩માં આ કંપનીની સ્થાપના કરી હતી અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચાઈઓ પર પહોંચાડી છે.

આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ જેેનસન હુઆંગના અંગત જીવન અને કથિત અનૈતિક સંબંધો સાથે જોડાયેલું છે. ૬૩ વર્ષીય એજ્યુકેટિવ હુઆંગના જીવનમાં બે મોટા વિવાદો સામે આવ્યા છે, જેમાં એક સંબંધ કંપનીની જ વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બરલી પોવેલ સાથે હોવાનું બહાર આવ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, માર્ચ મહિનામાં કેલિફોર્નિયામાં યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન બંનેને હોટેલમાં એકસાથે જોવામાં આવ્યા હતા, જે કંપનીના આચારસંહિતા (Code of Conduct) અને વ્યાવસાયિક નીતિઓ વિરુદ્ધ છે. આ ઉપરાંત, બીજો વિવાદ સિંગાપોર સ્થિત ડેટા કંપનીની બિઝનેસમેન એલિસ હુઆંગ સાથેના સંબંધોનો છે, જેને યુએસ ગુપ્તચર અધિકારીઓએ કથિત રીતે ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાણ ધરાવતી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ ગંભીર બાબતોને પગલે એનવીડિયાના બોર્ડે કાયદાકીય ફર્મ મારફતે તપાસ પણ શરૂ કરી દીધી છે.

જેેનસન હુઆંગે અગાઉ કર્મચારીઓને પત્ર લખીને પોતાની પત્ની પ્રત્યે બેવફા થવાની વાત સ્વીકારી હતી અને વિશ્વાસઘાત બદલ માફી પણ માંગી હતી. જોકે, ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે સંભવિત જોડાણ અને કંપનીના આંતરિક નિયમોના ભંગના ગંભીર આક્ષેપોને કારણે મામલો વધુ વણસ્યો છે. એનવીડિયાના બોર્ડ સમક્ષ હવે કંપનીની પ્રતિષ્ઠા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને હુઆંગના પદ વિશે નિર્ણય લેવો એક મોટો પડકાર બન્યો છે. જો હુઆંગને ખરેખર પદભ્રષ્ટ કરવામાં આવે છે, તો તે વૈશ્વિક AI ઉદ્યોગ અને ટેક માર્કેટ માટે એક ખૂબ જ મોટો વળાંક સાબિત થશે, જેના દૂરગામી પ્રભાવો કંપનીના ભવિષ્ય પર પડી શકે છે.

LATEST ARTICLES