એવિએશન ક્ષેત્રે મોટો ફેરફાર કરતા અમેરિકન એરલાઇન્સે યુરોપ, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટ, કેનેડા અને મેક્સિકોને જોડતા આઠ આંતરરાષ્ટ્રીય રૂટ્સને આગામી વર્ષ 2027ના શેડ્યુલમાંથી હટાવી દીધા છે. આ ફેરફારો મુખ્યત્વે નબળી મુસાફર માંગ, મોસમી સેવાઓ, મિડલ ઇસ્ટની અશાંતિ અને એરલાઇનના નેટવર્કમાં જરૂરી ગોઠવણોને કારણે કરવામાં આવ્યા છે. આ રૂટ્સમાં લોસ એન્જલસ-બ્રિસ્બેન, ફિલાડેલ્ફિયા-દોહા, મિયામી-પેરિસ, શિકાગો-સાન જોસ, ન્યૂયોર્ક-ટોરેન્ટો, ડલ્લાસ-ઝુરીચ અને ફિનિક્સથી મેક્સિકોના કેટલાક શહેરોનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગની સેવાઓ વર્ષ 2026 દરમિયાન જ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી, જે હવે લાંબા ગાળા માટે પર નહીં આવે.
આશ્ચર્યજનક પાસું એ છે કે આ રદ કરાયેલા તમામ રૂટ્સ પર પેસેન્જરનો પ્રવાહ નબળો નહોતો. ઉદાહરણ તરીકે, ફિલાડેલ્ફિયા-દોહા રૂટ પર વર્ષ 2026ના પ્રથમાર્ધમાં ૮૫.૮ ટકા અને શિકાગો-સાન જોસ રૂટ પર ૮૨.૪ ટકા જેટલો ઊંચો લોડ ફેક્ટર (સીટ ઓક્યુપન્સી) જોવા મળ્યો હતો. આ ઉપરાંત ડલ્લાસ-ઝુરીચ અને લોસ એન્જલસ-બ્રિસ્બેન જેવી ફ્લાઇટ્સમાં પણ આશરો ૮૦ ટકા સીટો ભરાતી હોવા છતાં કંપનીએ તેને રદ કરી છે. ફિલાડેલ્ફિયા-દોહા રૂટ મિડલ ઇસ્ટમાં સર્જાયેલી અશાંતિને કારણે અટકાવવો પડ્યો હતો, જેને બાદમાં કતાર એરવેઝ દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.
આ કઠિન નિર્ણયો પાછળ મુખ્ય કારણ વધતા જતા બળતણ (ફ્યુઅલ) ખર્ચ અને વૈશ્વિક બજારનું દબાણ છે. એરલાઇનના રિપોર્ટ મુજબ, બળતણનો ખર્ચ વાર્ષિક ધોરણે ૬૭.૫ ટકા વધીને ૪.૬૩ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જેના કારણે ઓછી નફાકારક ફ્લાઇટ્સ ચાલુ રાખવી કંપની માટે મુશ્કેલ બની છે. આર્થિક દબાણને પહોંચી વળવા એરલાઇને તેની નેટવર્ક વૃદ્ધિ ધીમી પાડવાનો નિર્ણય કર્યો છે, જોકે તેની આંતરરાષ્ટ્રીય રણનીતિ હજુ પણ લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્ર પર વિશેષ કેન્દ્રિત રહેશે.
