અમેરિકી રાજકારણ અને ટેકનોલોજી જગતમાં હાલમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક પર ગંભીર આક્ષેપો થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પ દ્વારા ચીનને ગેરકાયદેસર રીતે એનવિડિયા (Nvidia) કંપનીની અત્યાધુનિક ચિપ્સ મોકલતી કે સપ્લાય કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે ત્રીજી વખત પ્રમુખ ટ્રમ્પે ઉદ્યોગપતિ એલોન મસ્ક સાથે પરામર્શ કરીને આ કડક નિયંત્રણો લાગુ કરવા માટે મંજૂરી આપી દીધી હતી. જો કે, આ તમામ પ્રક્રિયા વચ્ચે વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પોતે જ આ નિકાસ નિયંત્રણોના અમલીકરણ સામે વારંવાર અવરોધો ઊભા કર્યા હોવાનું સૂત્રો દ્વારા બહાર આવ્યું છે.
આ આંતરિક વિવાદને ઉકેલવા માટે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ, ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓ જેવા દિગ્ગજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સ્કોટ બેસેન્ટે હોવર્ડ લુટનિકને સીધા જ સવાલોના ઘેરામાં લીધા હતા અને તેમના વિભાગ દ્વારા આ કડક નિકાસ નિયંત્રણો લાગુ કરવામાં કેમ અડચણો ઊભી કરવામાં આવી રહી છે તે અંગે આકરા પ્રશ્નો પૂછ્યા હતા.
આ ગરમાગરમ ચર્ચા અને આલોચનાઓ વચ્ચે લુટનિકે શરૂઆતમાં તમામ મુદ્દાઓ સાથે સંમતિ દર્શાવી હતી, પરંતુ અંતમાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે આ મામલે આગળ વધતા પહેલા તેમને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવી પડશે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા અને ચીન વચ્ચેના ટેકનોલોજી યુદ્ધ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સના સપ્લાયને અટકાવવા બાબતે ટ્રમ્પ વહીવટીતંત્રની અંદર જ કેટલાક મતભેદો અને ખટરાગ ચાલી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
