JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભાવનગર-સોમનાથ હાઈવે બન્યો ડેથ ઝોન: મહુવા પાસે આખલાની અડફેટે યુવકનું કરૂણ મોત

| By JAMNAGAR MIRROR
ભાવનગર-સોમનાથ હાઈવે બન્યો ડેથ ઝોન: મહુવા પાસે આખલાની અડફેટે યુવકનું કરૂણ મોત
મહુવાના ભાદ્રોડ ગામ પાસે નેશનલ હાઈવે પર રખડતા આખલાએ બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ પ્રસર્યો છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ એટલો હદે વધી ગયો છે કે હવે આ માર્ગ વાહનચાલકો માટે સાચા અર્થમાં 'ડેથ ઝોન' સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં મહુવા નજીક આવેલા ભાદ્રોડ ગામ પાસે સર્જાયેલા એક દર્દનાક અકસ્માતે વધુ એક યુવકનો ભોગ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાકેશ ગોહિલ નામનો યુવક પોતાના પરિવાર અને મિત્રને ઉનાના કાંધી ગામે સલામત રીતે મૂકીને પરત ફરી રહ્યો હતો. આ સફર તેના માટે અંતિમ સાબિત થશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

પરિવારને છોડીને મિત્ર રાકેશ વાઘેલા સાથે બાઈક પર ભાવનગર તરફ પરત ફરી રહેલા આ યુવાનો જ્યારે ભાદ્રોડ ગામ નજીક પહોંચ્યા, ત્યારે અચાનક રોડ પર ધસી આવેલા આક્રમક રખડતા આખલાએ તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રાકેશ ગોહિલનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના સાથી મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર હ્રદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને ઉજાગર કરી છે. હાઈવે પર અવારનવાર રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ નાગરિકો પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે, તેમ છતાં સત્તાધીશો દ્વારા આ ગંભીર સમસ્યાના નિવારણ માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અધિકારીઓની આ ઉદાસીનતા અને મૌનને કારણે પ્રજાજનો તથા વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

LATEST ARTICLES