JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમરેલીના કુકાવાવમાં પૈસાની લેતીદેતી મુદ્દે ખૂની જંગ: ધોકા અને લાકડીઓ ઉછળતા ૧૬ શખ્સો સામે ગુનો દાખલ

| By JAMNAGAR MIRROR
અમરેલીના કુકાવાવમાં પૈસાની લેતીદેતી મુદ્દે ખૂની જંગ: ધોકા અને લાકડીઓ ઉછળતા ૧૬ શખ્સો સામે ગુનો દાખલ
અમરેલી જિલ્લાના કુકાવાવ ગામે પૈસાની લેતીદેતી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ધોળા દિવસે હિંસક અથડામણ સર્જાઈ હતી. જાહેરમાં થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ૧૬ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે ગઈકાલે બપોરે સામાન્ય બાબતે શરૂ થયેલ વિવાદ ઉગ્ર બનતા ગામનું મુખ્ય માર્ગ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી પૈસાની લેતીદેતીની અદાવતને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો અચાનક જાહેરમાં આમનેસામને આવી ગયા હતા. મામલો એટલો હદ સુધી વણસી ગયો કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ખેલ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ધોકા તથા લાકડીઓ બેફામ ઉછળવા લાગી હતી.

દિવસના વ્યસ્ત સમયે બનેલી આ ઘટનાને કારણે કુકાવાવના મુખ્ય માર્ગો પર ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ઉત્તેજિત ટોળાએ કાયદા કે વ્યવસ્થાની પરવા કર્યા વગર જાહેરમાં મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાની ક્રૂરતા અને અરાજકતાના દ્રશ્યો કોઈએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા, જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર અમરેલી પંથકમાં ભારે અરેરાટી અને ચર્ચાનો વિષય બન્યો છે.

આ હિંસક ઘટના બાદ ભોગ બનનાર ભરત ઉર્ફે કાંબલી ઘાધલ દ્વારા વડિયા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદના આધારે પોલીસે સામે પક્ષના ૧૬ જેટલા મુખ્ય શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES