અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના શરમેન ઓક્સ વિસ્તારમાં આવેલું આ આવાસ ૧૯૫૬માં બનાવવામાં આવ્યું હતું. 'ગ્લેન એસ્ટેટ્સ' નેબરહુડમાં આવેલું આ મકાન એક સાદી હિલસાઇડ રેન્ચ શૈલીનું ઘર છે, જે તેની સુંદર પ્રાકૃતિક દ્રશ્યો, નાનકડી સ્વિમિંગ પુલ અને વધારાના મહેમાન રૂમની સુવિધા માટે જાણીતું છે. મહાન અભિનેતા ક્લિંટ ઇસ્ટવુડ અને તેમની પ્રથમ પત્ની મેગી જોન્સને ૧૯૫૩માં લગ્ન કર્યા બાદ ૧૫૫૯માં આ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ઇસ્ટવુડ પોતાની કારકિર્દીના શરૂઆતી તબક્કામાં હતા અને તેમને લોકપ્રિય ટેલિવિઝન વેસ્ટર્ન સિરીઝ 'રોહાઈડ'માં મોટી ભૂમિકા મળી હતી, જેના કારણે લોસ એન્જલસમાં આ તેમનું સૌપ્રથમ અંગત ઘર બન્યું હતું.
ક્લિંટ ઇસ્ટવુડે આ ઐતિહાસિક સંપત્તિ સાથે લાંબો સમય વિતાવ્યો હતો અને ૧૯૫૯થી લઈને ૧૯૮૩ સુધી અંદાજે ૨૪ વર્ષ સુધી તેઓ આ ઘરમાં રહ્યા હતા. ત્યારબાદ ૧૯૮૩માં તેમણે આ ઘર પોતાના ખાસ મિત્ર અને જાણીતા ફિલ્મ નિર્માતા ફ્રિટ્ઝ મેને્સને ૨,૫૦,૦૦ રૂપિયામાં વેચી દીધું હતું. ફ્રિટ્ઝ મેને્સ ૨૦૧૧માં પોતાના નિધન સુધી આ જ ઘરમાં રહ્યા હતા અને તેમના અવસાન પછી પણ તેમના પત્નીએ આ મકાનને સંભાળીને રાખ્યું હતું. ખાસ વાત એ છે કે આ પરિવારે ક્લિંટ ઇસ્ટવુડના સમયની તમામ યાદગાર વસ્તુઓ, ફર્નિચર અને સિનેમા જગતની યાદોને અત્યંત સાવચેતીપૂર્વક અકબંધ સાચવી રાખી હતી, જેના કારણે આ મકાનનું ઐતિહાસિક મૂલ્ય વધુ વધી ગયું હતું.
છેલ્લા છ દાયકાથી વધુ સમય સુધી ક્યારેય ખુલ્લા બજારમાં ન આવેલું આ મકાન ઓક્ટોબર ૨૦૨૪માં પ્રથમવાર રિયલ એસ્ટેટ માર્કેટમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ મકાનની આસ્કિંગ પ્રાઇસ ૧.૭૯૫ મિલિયન ડૉલર રાખવામાં આવી હતી, જેમાં ચાર બેડરૂમ, સ્વિમિંગ પુલ, ગેસ્ટ રૂમ અને બે કાર માટેની ગેરેજ સુવિધા ઉપલબ્ધ હતી. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, લાંબી પ્રક્રિયા બાદ આ ઐતિહાસિક સંપત્તિ આ વર્ષે ડિસેમ્બરમાં અંતે ૧.૬૫ મિલિયન ડૉલરની કિંમતમાં સફળતાપૂર્વક વેચાઈ ગઈ છે, જેણે હોલીવુડના સિનેમા રસિયાઓમાં ફરી એકવાર ભારે કુતૂહલ જગાવ્યું છે.
