ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિમાલયી ધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે યાત્રાનો વિધિવત વિરામ થયો છે. ભાઈબીજના પાવન અવસરે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને વિશેષ પૂજા-અર્ચના બાદ કેદારનાથ ધામના કપાટ આગામી છ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કપાટ બંધ થયા બાદ બાબા કેદારની પવિત્ર ચલ મૂર્તિને ભવ્ય પાલખી (ડોલી)માં બિરાજમાન કરીને તેમના શીતકાલીન નિવાસસ્થાન ઉખીમઠ ખાતે ખસેડવામાં આવી છે. હવે પછીના છ મહિના સુધી શ્રદ્ધાળુઓ ઉખીમઠ સ્થિત ઐતિહાસિક ઓમકારેશ્વર મંદિરમાં જ ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના અને દર્શન કરી શકશે.
કપાટ બંધ થવાની પૂર્વસંધ્યાએ કેદારનાથ ધામના સમગ્ર પરિસરમાં આધુનિક રોશની અને દીપોત્સવ જેવું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. સંધ્યાકાળે યોજાયેલી ભવ્ય અને વિશેષ આરતીમાં સેંકડોની સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ ભગવાનની છેલ્લી આરતીનો અલૌકિક લ્હાવો લીધો હતો. વહેલી સવારે પણ હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચીને પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વર્ષના આખરી દર્શન કરતા સમયે અનેક શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ ગઈ હતી અને ભાવુક માહોલ જોવા મળ્યો હતો. કેદારનાથની સાથેસાથે યમુનોત્રી ધામના કપાટ પણ આ જ દિવસે વિધિવત મંત્રોચ્ચાર સાથે શીતકાળ માટે બંધ કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષની ચારધામ યાત્રા શ્રદ્ધાળુઓ માટે અત્યંત આસ્થા અને ઉત્સાહભરી રહી છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, આ વર્ષે કેદારનાથ ધામમાં રેકોર્ડબ્રેક ૧૯ લાખ ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પહોંચીને બાબા કેદારના દર્શન અને પૂજનનો અદ્ભુત લ્હાવો લીધો છે. કઠોર હવામાન અને દુર્ગમ માર્ગો છતાં ભક્તોમાં જોવા મળેલો આ અદભુત ઉત્સાહ ધાર્મિક પર્યટન ક્ષેત્રે એક નવો રેકોર્ડ સ્થાપિત કરે છે. આગામી છ મહિના સુધી દેશ-વિદેશના ભક્તો શીતકાલીન સ્થળો પર જઈને પોતાના આરાધ્ય દેવતાના દર્શન કરી શકશે અને આવતા વર્ષે ફરીથી ધામોના કપાટ ખૂલવાની રાહ જોવામાં આવશે.
