૯૯૦ ફૂટ લાંબું અને ટાઈટેનિક કરતાં પણ ૧૦૦ ફૂટથી વધુ લંબાઈ ધરાવતું આ ઐતિહાસિક જહાજ પોતાના ભવ્ય ભૂતકાળ માટે જાણીતું છે. તેણે ૧૯૫૨માં પોતાની પ્રથમ સફર દરમિયાન એટલાન્ટિક મહાસાગર પાર કરવાનો ઝડપનો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. એક જમાનામાં આ જહાજમાં હેરી એસ. ટ્રુમેન, ડ્વાઇટ ડી. આઈઝેનહોવર, જ્હોન એફ. કેનેડી અને યુવા વયે બિલ ક્લિન્ટન જેવા અમેરિકી રાષ્ટ્રપતિઓ મુસાફરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત, મરિના મનરો, વોલ્ટ ડિઝની, માર્લોન બ્રાન્ડો અને એલિઝાબેથ ટેલર જેવી હોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પણ તેની મહેમાન બની ચૂકી હતી. એટલું જ નહીં, ૧૯૬૩માં પેરિસના લૂવર મ્યુઝિયમમાંથી લિયોનાર્ડો દા વિન્ચીની પ્રખ્યાત કૃતિ 'મોના લિસા' પણ આ જ જહાજ દ્વારા અમેરિકા લાવવામાં આવી હતી.
ફ્લોરિડાની ઓકાલોસા કાઉન્ટી દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં આ જહાજ ૧૦.૧ મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું અને તેને કૃત્રિમ રીફમાં ફેરવવાનો નિર્ણય લેવાયો હતો. ફિલાડેલફિયા અને અલાબામામાં લાંબી પ્રક્રિયા અને પર્યાવરણીય સુરક્ષાના કાર્યો બાદ તેને ફ્લોરિડાના ડેલસ્ટિન નજીક લાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન જહાજના સમુદ્રના પાણીના પાઈપોના વાલ્વ ધીમે-ધીમે ખોલવામાં આવ્યા હતા જેથી પાણી અંદર ભરાઈ શકે અને દરિયાઈ જીવો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે. આ જહાજ સમુદ્રતળથી આશરે ૧૮૦ ફૂટની ઊંડાઈએ અને તેના ઉપલા ડેક સપાટીથી ૬૦ ફૂટ નીચે સ્થિર થશે, જેનાથી ઉત્તર-પશ્ચિમ ફ્લોરિડા ડાઇવિંગ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી અધિકારીઓને આશા છે.
આ ઐતિહાસિક પ્રોજેક્ટને અટકાવવા માટે 'એસએસ યુનાઇટેડ સ્ટેટ્સ પ્રિઝર્વેશન ફાઉન્ડેશન' દ્વારા અદાલતમાં કાનૂની લડત પણ લડવામાં આવી હતી અને પર્યાવરણીય જોખમોનો દાવો કરાયો હતો. જો કે, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એમ. કેસી રોડર્સે સ્ટે ઓર્ડરની અરજી ફગાવી દીધી હતી અને હવામાનની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ધારિત તારીખથી એક દિવસ અગાઉ જ આ જહાજને જળમગ્ન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અદભુત દરિયાઈ આકર્ષણને જોવા માટે ડાઇવર્સ અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
