રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે બનેલી આ સન્સનાટીભર્ની ઘટના અનુસાર, મૃતક જ્યોત્સનાબેન પોતાના પતિ જીતેન્દ્રભાઈ સાથે વાડીએ ગયા હતા તે દરમિયાન ત્યાં કામ કરતા મજૂરો સાથે કોઈક બાબતે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મજૂરોએ અદાવત રાખીને જીતેન્દ્રભાઈની ગેરહાજરીનો લાભ ઉઠાવ્યો હતો. જ્યારે જીતેન્દ્રભાઈ થોડે દૂર કપડાં લેવા માટે ગયા હતા, ત્યારે આ આરોપી મજૂરોએ એકસંપ થઈને જ્યોત્સનાબેનના માથા અને શરીર પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પુરાવા છુપાવવાના ઇરાદાથી મૃતદેહને ખેતરમાં જ મરચી અને રીંગણના પાક વચ્ચે છુપાવી દીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પતિ જીતેન્દ્રભાઈ જ્યારે પરત ફર્યા ત્યારે વાડી પર પત્ની જ્યોત્સનાબેન અને કામ કરતા મજૂરો બંને ગાયબ જણાતા તેમને ભારે શંકા ગઈ હતી. તેમણે તુરંત જ પોતાના પુત્ર ભાર્ગવભાઈ તેમજ આસપાસના સ્થાનિક ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી, જેના પગલે પરિવારજનો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં વાડીએ દોડી આવ્યા હતા. તમામ લોકોએ ભેગા મળીને વાડી અને આસપાસના વિસ્તારમાં પત્નીની સઘન શોધખોળ હાથ ધરી હતી. આશરે ૬ કલાકની લાંબી અને ભારે મથામણ બાદ ખેતરમાં ઊભેલા પાક વચ્ચેથી જ્યોત્સનાબેનનો ક્ષતિગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ કરૂણ ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપી કે. જી. ઝાલા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા મજૂરો સામે હત્યાનો ગંભીર ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
