JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા પાવરનું મોટું રોકાણ: મહારાષ્ટ્રના શિરવટામાં ₹૧૧,૮૭૧ કરોડના પંપ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી

| By JAMNAGAR MIRROR
ટાટા પાવરનું મોટું રોકાણ: મહારાષ્ટ્રના શિરવટામાં ₹૧૧,૮૭૧ કરોડના પંપ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી
ટાટા પાવરે મહારાષ્ટ્રના શિરવટા ખાતે ૧,૮૦0 મેગાવોટના પંપ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹૧૧,૮૭૧ કરોડના રોકાણને મંજૂરી આપી દીધી છે. આ સાથે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં શાનદાર નાણાકીય દેખાવ કરતા ચોખ્ખા નફામાં ૩૩ ટકાનો શાનદાર વધારો નોંધાવ્યો છે.

દેશની અગ્રણી પાવર કંપની ટાટા પાવરે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મોટું પગલું ભરતા મહારાષ્ટ્રના શિરવટા ખાતે ૧,૮00 મેગાવોટ ક્ષમતા ધરાવતા પંપ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ (PSP) માટે ₹૧૧,૮૭૧ કરોડના જંગી પૂંજી રોકાણને મંજૂરી આપી છે. કંપનીએ શેરબજારોને આપેલી સત્તાવાર માહિતીમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુત્તમ સમયમાં લાંબા ગાળાની એનર્જી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનો છે, જેથી દેશમાં રિન્યુએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળી શકાય. આ પ્રોજેક્ટ થકી પાવર ગ્રીડમાં ગ્રીન એનર્જીનું એકીકરણ વધુ મજબૂત બનશે અને ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મોટી મદદ મળશે.

આ પ્રોજેક્ટ ઉપરાંત ટાટા પાવર તેની ભિવપુરી પંપ્ડ સ્ટોરેજ યોજના પર પણ નિર્ધારિત સમયપત્રક મુજબ કામ આગળ વધારી રહી છે. કંપની કોમર્શિયલ અને ઓદ્યોગિક ગ્રાહકોની ચોવીસ કલાક (24x7) ગ્રીન વીજળીની વધતી માંગને ધ્યાનમાં રાખીને સતત સ્વચ્છ ઉર્જા અને સ્ટોરેજ પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહી છે. શિરવટા પ્રોજેક્ટ થકી રાઉન્ડ-ધ-ક્લોક રિન્યુએબલ એનર્જી સપ્લાય સુનિશ્ચિત થશે, જે ઉદ્યોગોના વીજળીના પ્રશ્નો હલ કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. હાલમાં કંપનીની કુલ સંચાલન ક્ષમતા ૧૬.૯ ગીગાવોટ પર પહોંચી ચૂકી છે અને તે ભવિષ્યની ઉર્જા જરૂરિયાતો માટે અત્યારથી જ મજબૂત પાયો નાખી રહી છે.

આ મોટા રોકાણની જાહેરાતની સાથે જ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૭ના બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન પણ રજૂ કર્યું છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં ટાટા પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે ૩૩ ટકા વધીને ₹૧,૬૫૨ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યો છે. જ્યારે આ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીનો કુલ નફો ૨૨ ટકા વધીને ₹૩,૦૫૩ કરોડ નોંધાયો હતો. આ ઉપરાંત, આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ૨૬ ટકા વધીને ₹૧૯,૮૮૬ કરોડ રહી હતી, જે દર્શાવે છે કે કંપનીના તમામ બિઝનેસ સેગમેન્ટ્સ ઉત્સાહજનક પ્રદર્શન કરી રહ્યા છે.

LATEST ARTICLES