દેશની અગ્રણી ડેરી સહકારી સંસ્થા અમૂલ દ્વારા તેના ફ્રેશ પાઉચ દૂધની શ્રેણીમાં પ્રતિ લીટર 2 થી 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સંશોધિત દરો ગુરુવાર, 12 નવેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે. અમૂલના પ્રખ્યાત ઉત્પાદન એવા અમૂલ તાજા ટોન્ડ મિલ્કના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે પ્રીમિયમ કેટેગરી ગણાતા અમૂલ ગોલ્ડ દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લીટર 4 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દૂધની આ સમગ્ર રેન્જમાં અંદાજે 4 થી 5 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવારોના માસિક ઘરખર્ચ પર પડશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ સંભાળે છે, તેણે આ ભાવવધારા પાછળ પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા ભારે ઉછળાને મુખ્ય કારણ ગણાવ્યું છે. સહકારી સંસ્થાના જણાવ્યા અનુસાર પશુઓનો ચારો, કેટલ ફીડ, પેકેજિંગ સામગ્રી અને ઇંધણના વધતા ખર્ચને કારણે દૂધનું ઉત્પાદન મોંઘુ બન્યું છે. જો કે, આ ભાવવધારાનો મુખ્ય ફાયદો પશુપાલકો અને દૂધ ઉત્પાદક ખેડૂતોને મળશે, કારણ કે વધારાની આવકનો મોટો હિસ્સો સીધો ખેડૂતોના કલ્યાણ અને તેમને વધુ સારું વળતર આપવા પાછળ ખર્ચવામાં આવશે જેથી ડેરી ઉદ્યોગ મજબૂત રહી શકે.
અમૂલની આ જાહેરાત બાદ અન્ય અગ્રણી ડેરી બ્રાન્ડ મધર ડેરીએ પણ દિલ્હી-એનસીઆર બજારમાં પોતાના લિક્વિડ મિલ્ક વેરિઅન્ટ્સના ભાવમાં પ્રતિ લીટર 2 થી 4 રૂપિયાનો વધારો કર્યો છે, જે 12 નવેમ્બરથી જ અમલમાં આવ્યો છે. મધર ડેરીએ પણ દૂધની ખરીદી પાછળ થતા વધારાના ખર્ચને આ નિર્ણય માટે જવાબદાર ગણાવ્યો છે. ખેડૂતોને દૂધની ખરીદી સામે વધુ ચૂકવણી કરવામાં આવી રહી હોવાથી કંપનીએ આ વધારાના ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહકો તરફ પાસ ઓન કરવાનો અનિવાર્ય નિર્ણય લીધો છે.
