JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬: ઇન્દોરનો દબદબો ઘટ્યો, નવી મુંબઈ દેશમાં પ્રથમ જ્યારે સુરત બીજા ક્રમે

| By JAMNAGAR MIRROR
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬: ઇન્દોરનો દબદબો ઘટ્યો, નવી મુંબઈ દેશમાં પ્રથમ જ્યારે સુરત બીજા ક્રમે
કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬માં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં સતત આઠ વર્ષ સુધી ટોચ પર રહેલું ઇન્દોર પાછળ પડી ગયું છે અને મહારાષ્ટ્રનું નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે જ્યારે ગુજરાત માટે ગૌરવરૂપ સુરતે બીજું સ્થાન મેળવ્યું છે.

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ના ચોંકાવનારા પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજેતા શહેરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતની સ્પર્ધામાં દેશભરના ૪,૭૫૧થી વધુ શહેરોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં કચરાનું વર્ગીકરણ, ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવો, પરિવહન, જાહેર શૌચાલયોની સુવિધા, નાગરિકોનો પ્રતિસાદ અને સફાઈ કામદારોની સુખાકારી જેવા મહત્વના પેરામીટર્સને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નવી મુંબઈ, સુરત અને વિજયવાડાને 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં ટોચના ત્રણ શહેરો તરીકે સ્થાન મળ્યું છે.

આ સર્વેક્ષણનું સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે સતત આઠ વર્ષ સુધી દેશભરમાં પ્રથમ ક્રમે અજેય રહેનાર મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર આ વખતે ટોચના ત્રણમાં પણ સ્થાન મેળવી શક્યું નથી. નવી મુંબઈએ બાજી મારીને પ્રથમ સ્થાન હાસલ કર્યું છે, જ્યારે ગુજરાતના વાણિજ્યિક પાટનગર સમાન સુરત શહેરે શાનદાર પ્રદર્શન જાળવી રાખીને દેશભરમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સમગ્ર રાજ્ય માટે અત્યંત ગર્વની ક્ષણ છે. આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા સ્થાને રહ્યું છે. જો કે, ઇન્દોરે 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં બીજું સ્થાન મેળવીને પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે તો બીજી તરફ વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે કરવામાં આવેલા વર્ગીકરણમાં પણ અનેક નવા શહેરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

શહેરોના કદ અને ભૌગોલિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ વખતે વિવિધ શ્રેણીઓમાં પણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. ત્રણથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ઉજ્જૈન પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગ્રેટર વિશાખાપટ્ટનમે બાજી મારી છે. આ ઉપરાંત, નદીકાંઠાના વિસ્તારોમાં રેવા અને વારાણસી, દરિયાકાંઠાના વિસ્તારોમાં પુરી અને રત્નાગિરિ તથા હિમાલયી ક્ષેત્રોમાં રુદ્રપુર અને જમ્મુ જેવા શહેરોએ સ્વચ્છતાની રેસમાં ઉત્તમ દેખાવ કર્યો છે. દેશના નાના શહેરોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને ૩૫૦થી વધુ શહેરી સંસ્થાઓએ પોતાના રેન્કિંગમાં મોટો સુધારો નોંધાવ્યો છે.

LATEST ARTICLES