JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અદાણી જૂથની કચ્છ કોપર બની રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ઉત્પાદક કંપની

| By JAMNAGAR MIRROR
અદાણી જૂથની કચ્છ કોપર બની રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ઉત્પાદક કંપની
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની કચ્છ કોપરે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત 'કોપર માર્ક' પ્રમાણપત્ર મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર તે દેશની સર્વપ્રથમ તાંબુ ઉત્પાદક કંપની બની છે.

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પૂર્ણ માલિકીની સહાયક કંપની એવી કચ્છ કોપર લિમિટેડ (KCL) એ પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કંપનીને 'વેરામાર્ક એશ્યોરન્સ' પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જેને અગાઉ 'કોપર માર્ક' તરીકે ઓળખવામાં આવતું હતું. આ પ્રમાણપત્ર જવાબદાર અને ટકાઉ તાંબાના ઉત્પાદન માટેનું વિશ્વભરમાં એક અત્યંત પ્રતિષ્ઠિત માળખું માનવામાં આવે છે. કડક સ્વતંત્ર મૂલ્યાંકન અને સંયુક્ત ડ્યૂ ડિલિજન્સ ધોરણોની ચકાસણી બાદ આ સન્માન આપવામાં આવ્યું છે, જે ભારતીય ઉદ્યોગો માટે એક સીમાચિહ્ન સમાન છે.

આ સિદ્ધિ સાથે કચ્છ કોપર વિશ્વભરના એવા ચૂંટેલા અગ્રણી તાંબુ ઉત્પાદકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ટકાઉપણાના નિયમોનું કડકપણે પાલન કરે છે. કચ્છ કોપર વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન કોપર સ્મેલ્ટર્સમાંથી એકનું સંચાલન કરે છે અને વૈશ્વિક ઉર્જા પરિવર્તનને વેગ આપતા ઉદ્યોગો માટે એક મુખ્ય સપ્લાયર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહી છે. આ વૈશ્વિક પ્રમાણપત્ર કંપનીની જવાબદાર ઉત્પાદન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં તેની સ્થિતિને વધુ અગ્રેસર કરે છે.

કચ્છ કોપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે આ માઈલસ્ટોન પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જ્યારે ઇલેક્ટ્રિફિકેશન, રિન્યુએબલ એનર્જી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાંબાની માંગ અપ્રતિમ રીતે વધી રહી છે, ત્યારે આ પ્રમાણપત્ર ભારતની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. વૈશ્વિક બજારમાં ગ્રાહકો અને રોકાણકારો હવે નૈતિક અને જવાબદાર પદ્ધતિઓથી મેળવેલા કાચા માલને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે આ સિદ્ધિ કંપનીને વૈશ્વિક સ્તરે એક નવું જ ઊંચું સ્થાન અપાવશે.

LATEST ARTICLES