JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નવા વર્ષની શરૂઆતે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર, અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

Nov 11, 2026 | 19:10 | By JAMNAGAR MIRROR
નવા વર્ષની શરૂઆતે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર, અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
દેશની અગ્રણી ડેરી કંપનીઓ અમૂલ અને મધર ડેરી દ્વારા દૈનિક વપરાશના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ થી રૂ. ૪ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારોનું માસિક રસોડા બજેટ સીધું જ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

નવા વર્ષના આરંભે જ દેશભરના સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. દૂધ ક્ષેત્રની દિગ્ગજ સહકારી સંસ્થાઓ એવી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ અને મધર ડેરીએ પોતાના દૂધના વિવિધ વેરિયન્ટ્સના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ થી રૂ. ૪ સુધીનો વધારો કર્યો છે. અગાઉ તહેવારોની મોસમમાં અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો, અને હવે દૈનિક વપરાશના તાજા દૂધના પાઉચ મોંઘા થતાં સામાન્ય જનજીવન પર આર્થિક ભારણ વધુ વધ્યું છે. જીસીએમએમએફ દ્વારા ૧૨ નવેમ્બરથી લાગુ થનાર આ ફેરફાર અંતર્ગત અમૂલ તાઝાના ભાવમાં લિટરે રૂ. ૨ અને અમૂલ ગોલ્ડના ભાવમાં લિટરે રૂ. ૪ નો વધારો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં અમલી બન્યો છે.

આ અચાનક કરાયેલા ભાવવધારા પાછળ ડેરી સંચાલકો દ્વારા પશુ આહાર અને પ્રોસેસિંગના વધતા ખર્ચને મુખ્ય કારણણરૂપ દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં લીલો તેમજ સૂકો ઘાસચારો, ખોળ, મકાઈ અને મોલાસિસ જેવા પશુ આહારના ઘટકોની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત પેકેજિંગ મટીરિયલ્સ અને ઇંધણના વધેલા ખર્ચ તેમજ ઓછા અને અનિયમિત વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પશુપાલકોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ પગલું અનિવાર્ય બન્યું હોવાનું કંપનીનું માનવું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે અમૂલ ગ્રાહકો પાસેથી મળતી કુલ આવકનો અંદાજે ૮૦ ટકા જેટલો મોટો હિસ્સો સીધો ૩૬ લાખ જેટલા દૂધ ઉત્પાદક પશુપાલકોને પરત કરે છે, જેથી આ ભાવવધારાનો લાભ આડકતરી રીતે ગ્રામ્ય સ્તરે મહેનત કરતા ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચશે.

અમૂલની સાથેસાથે દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં વિશાળ નેટવર્ક ધરાવતી મધર ડેરીએ પણ ૧૧ નવેમ્બરથી જ પોતાના દૂધના ભાવમાં લિટરે રૂ. ૨ થી રૂ. ૪ સુધીનો વધારો કરી દીધો છે. આ નવા દરો મુજબ મધર ડેરીના ફૂલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ. ૭૨ થી વધીને રૂ. ૭૬ પર પહોંચ્યો છે, જ્યારે કાઉ મિલ્ક હવે રૂ. ૬૫ પ્રતિ લિટરના ભાવે મળશે. આ ઉપરાંત ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂધના ભાવમાં પણ ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી પણ પોતાની કુલ આવકનો ૭૫ થી ૮૦ ટકા હિસ્સો દૂધ ઉત્પાદક ખેડૂતોને ચૂકવતી હોવાથી, ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા કાચા દૂધના ઊંચા ભાવને કારણે આ આર્થિક બોજ આખરે ગ્રાહકો સુધી પહોંચાડવાની ફરજ પડી છે.

LATEST ARTICLES