બુધવારે બપોરે અંદાજે સવા બે વાગ્યે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં મીર બજાર પાસે આવેલા અખરાણ વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) ના કેમ્પ પર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા આતંકીઓએ સુરક્ષા દળોની ચેકપોસ્ટને નિશાન બનાવીને અચાનક ધમાકેદાર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માત્ર ૧૫ સેકન્ડના ટૂંકા સમયગાળામાં જ લગભગ ૩૦ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેના પછીની એક મિનિટમાં વધુ એક ડઝન જેટલી ગોળીઓનો અવાજ સંભળાયો હતો, જે આતંકીઓની નાપાક હરદ અને મોટા હુમલાના પ્લાનની ગવાહી આપે છે.
આ અચાનક થયેલા હુમલાના સમયે કેમ્પ પર તૈનાત જવાનોએ પણ અત્યંત બહાદુરી અને સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સીસીટીવી ફુટેજમાં એક સીઆરપીએફ જવાન દુકાનોની હરોળ સામે બેઠેલો નજરે પડે છે અને હુમલો થતાં જ બાજુમાંથી બીજો જવાન મશીનગન સાથે દોડીને મોરચો સંભાળતો દેખાય છે. બંને બહાદુર જવાનોએ જીવના જોખમે હુમલાખોરો સામે પડકાર ફેંક્યો હતો અને વળતી કાર્યવાહી માટે આગળ વધ્યા હતા. જોકે, હુમલાને અજામ આપીને આતંકીઓ તકનો લાભ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ રાકેશ દાસ, સંતોષ ચંદુ અને સોમવીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક અનંતનાગ જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને વધારાના બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે. આર્મર્ડ વાહનો સાથે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે તેમજ સ્થાનિક રહેવાસીઓને ઘરમાં જ રહેવાની સૂચના આપતા લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા હતા. સદભાગ્યે, ત્રણેય ઘાયલ જવાનોની હાલત હવે ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં રાકેશ દાસના ડાબા પગમાં, સંતોષ ચંદુના પેટ અને કરોડરજ્જુમાં તથા સોમવીર સિંહના ડાબા હાથમાં ઈજા પહોંચી છે. આ ઘટના સમયે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ કુલગામમાં જ ઉપસ્થિત હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
