JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફિલ્મી ઢબે કાર રોકી સાત શખ્સોનો જીવલેણ હુમલો અને તોડફોડ

Nov 11, 2026 | 16:45 | By JAMNAGAR MIRROR
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફિલ્મી ઢબે કાર રોકી સાત શખ્સોનો જીવલેણ હુમલો અને તોડફોડ
જામનગરની ખોડિયાર કોલોનીમાં જૂના મનદુઃખનો ખાર રાખીને સાત શખ્સોએ ભરબપોરે કાર આંતરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કારમાં તોડફોડ કરવા સાથે બે યુવકોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

જામનગર શહેરના વ્યસ્ત ગણાતા ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર સામે ગત 9 નવેમ્બરના રોજ બપોરે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા 21 વર્ષીય ધવલ જીતેશભાઈ વાસુ જી.જી. હોસ્પિટલમાંથી પોતાની કાર મારફતે સારવાર કરાવીને ઘેર પરત ફરી રહ્યા હતા, ત્યારે અગાઉ થયેલી તકરારના જૂના મનદુઃખને કારણે કેટલાક શખ્સો તેમની પાછળ જ હતા. ખોડિયાર કોલોની પાસે પહોંચતા જ આરોપી હસમુખ રબારી અને કિશન ખાભલાએ પોતાના બુલેટ વાહનને ધવલભાઈની કારની આગળ આડું મૂકીને તેમનો રસ્તો રોકી દીધો હતો અને કાયદો તથા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

બુલેટથી રસ્તો રોક્યા બાદ બંને આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઇપ વડે ધવલભાઈની કારના કાચ તોડી નાખ્યા હતા અને કાર ચાલક તથા તેની સાથે બેઠેલા ભરતભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધવલભાઈને ડાબા પડખા અને હાથમાં ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ તેમની સાથે રહેલા ભરતભાઈને પણ છાતી તથા જમણા હાથના ભાગે પાઇપથી ફટકાર્યા હતા. આ અંધાધૂંધીભર્યા માહોલનો લાભ લઈને હુમલાખોરોએ ધવલભાઈનો મોબાઇલ ફોન ઝૂંટવી લેવાનો અસફળ પ્રયાસ પણ કર્યો હતો અને જાહેરમાં બેફામ ગાળો બોલીને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.

આટલું ઓછું હોય તેમ થોડીવારમાં જ અન્ય આરોપીઓ વિજય રબારી, રાજ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એક સ્વિફ્ટ કાર લઈને ધટનાસ્થળે ધસી આવ્યા હતા અને તમામ સાતેય શખ્સોએ સાથે મળીને આતંક મચાવ્યો હતો. આ ટોળકીએ લોખંડના પાઇપ વડે કારના દરવાજા, કાચ અને લાઈટોમાં આડેધડ તોડફોડ કરીને વાહનને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ એમ. એમ. કુંભારવાડિયા દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES