JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

જમ્મુ-કાश्मीरના કુલગામમાં CRPF કેમ્પ પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ

Nov 11, 2026 | 16:40 | By JAMNAGAR MIRROR
જમ્મુ-કાश्मीरના કુલગામમાં CRPF કેમ્પ પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ
બુધવારે બપોરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં મોટરસાઇકલ સવાર આતંકવાદીઓએ CRPF ના ચેકપોસ્ટ પર અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, બુધવારે બપોરે અંદાજે ૨:૧૫ વાગ્યે કુલગામ જિલ્લાના મીર બજાર નજીક આવેલા અખરાન ખાતે CRPF ની એક નાકા ટીમ તૈનાત હતી. તે જ સમયે મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા અજ્ઞાત આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલાને અજાણ આપ્યા બાદ હુમલાખોરો તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ અણધાર્યા હુમલાને કારણે સુરક્ષા દળોમાં થોડીવાર માટે હડકંપ મચી ગયો હતો, જોકે જવાનોએ પણ તરત જ સાવચેતી દાખવી હતી.

આ ગોળીબારની ઘટનામાં ઘાયલ થયેલા ત્રણેય સુરક્ષાકર્મીઓની ઓળખ રાકેશ દાસ, સંતોષ ચંદુ અને સોમવીર સિંહ તરીકે કરવામાં આવી છે. હુમલામાં રાકેશ દાસના ડાબા પગમાં, સોમવીર સિંહના ડાબા હાથમાં ઈજા પહોંચી છે, જ્યારે સંતોષ ચંદુના પેટ અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થઈ છે. તમામ ઘાયલ જવાનોને તાત્કાલિક અનંતનાગ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબિયત ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કુલગામમાં જ ઉપસ્થિત હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સમગ્ર વિસ્તારને ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા વધારાના બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે અને સ્થાનિક લોકોને સુરક્ષા કારણોસર પોતાના ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે સેના અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આધુનિક સાધનો અને બુલેટપ્રૂફ વાહનોની મદદથી તપાસ અભિયાન ચલાવી રહી છે.

LATEST ARTICLES