અસંતોષકારક સેવાઓ અને જાહેરાત મુજબનો સમય ન જાળવવાના વિવાદમાં અમૃતસરના એક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઓશનિક જિમ વિરુદ્ધ કડક ર્નિણય લીધો છે. ભરીગુ શર્મા નામના યુવકે ગત વર્ષે નવેમ્બર મહિનામાં રૂા. ૫,૭૬૦ ચૂકવીને છ મહિનાનું જિમ સભ્યપદ લીધું હતું. પરંતુ, જિમ સંચાલકો દ્વારા નિયત સમય કરતા ૧૫ મિનિટ અગાઉ જ લાઈટો બંધ કરી દેવી, વરાળ સ્નાન (સ્ટીમ બાથ) જેવી સુવિધાઓ બિનઉપયોગી હોવી અને સ્વચ્છતાનો અભાવ જેવા ગંભીર પ્રશ્નોને કારણે તેમણે માત્ર બે મહિનામાં જ જિમ છોડી દીધું હતું. આ બાબતે જિમ દ્વારા રિફંડ આપવાનો ઇનકાર કરવામાં આવતા મામલો ગ્રાહક આયોગ સુધી પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન જિમ સંચાલકોએ પોતાનો બચાવ કરતા દલીલ કરી હતી કે તેઓ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહે છે અને ૯:૪૫ વાગ્યાથી સમેટાવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે, જેની નોટિસો પણ લગાવેલી હતી. ઉપરાંત, સંચાલક ડોક્ટર હોવાથી પ્રાથમિક સારવાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જો કે, આયોગે આ દલીલો ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ગ્રાહકે જે સમય માટે પૂરા પૈસા ચૂકવ્યા છે, તે સમય દરમિયાન તમામ સુવિધાઓ મળવી જ જોઈએ. સભ્યપદ આપતી વખતે આવા નિયમોની સ્પષ્ટ જાણકારી ગ્રાહકને આપવામાં આવી ન હતી, જે સેવામાં ખામી ગણાય છે.
ગ્રાહક આયોગના પ્રમુખ જગદીશ્વર કુમાર ચોપરા અને સભ્ય મનદીપ કૌરે ચુકાદો આપતા ઓશનિક જિમને બે મહિનાના વપરાશના પૈસા કાપીને બાકીના રૂા. ૩,૫૦૦ વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકને પડેલી મુશ્કેલી બદલ રૂા. ૨,૦૦૦ વળતર અને કેસના ખર્ચ પેટે રૂા. ૧,૦၀၀ ચૂકવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરવા પર કાયદેસરની કાર્યવાહીની ચેતવણી સાથે જિમને ૪૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે, જે ગ્રાહક સુરક્ષાના મામલામાં એક મોટો દાખલો બેસાડે છે.
