દિવાળીના તહેવારો અને વેકેશનની મોસમ શરૂ થતાં જ ગુજરાતનું ગૌરવ એવું સાસણ ગીર પ્રવાસીઓ માટે નંબર વન હોટસ્પોટ બની ગયું છે. કુદરતી વાતાવરણમાં મુક્તપણે વિહરતા એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ઉમટી રહ્યા છે. જંગલના રાજા ગઝબના રોમાંચ સાથે પોતાના પરિવાર સાથે ખુલ્લા મેદાનોમાં ફરતા હોય તે દ્રશ્ય પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ પણ ગીરના જંગલોની સુંદરતા અને અહીં જોવા મળતા સિંહોના પરિવારને જોઈને અભિભૂત થઈ રહ્યા છે.
પ્રવાસીઓની આ ભીડને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા અગાઉથી જ તમામ આગોતરી અને સચોટ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. ઓનલાઈન બુકિંગ સિસ્ટમથી લઈને જીપ્સી ડ્રાઈવર્સ અને લોકલ ગાઈડ્સની સક્રિયતાને કારણે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો નથી. પ્રવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સાસણ વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અત્યંત પ્રશંસનીય છે, જેના લીધે તેમની જંગલ સફારીની સફર અત્યંત સરળ અને આનંદદાયક બની રહી છે.
સામાન્ય રીતે ચોમાસાની ચાર મહિનાની ઋતુ દરમિયાન સિંહોના મેટિંગ પિરીયડ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંગલ સફારી બંધ રાખવામાં આવે છે, જેથી તેમને કોઈ ખલેલ ન પહોંચે. પરંતુ ચોમાસા બાદ જ્યારે ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે, ત્યારે દિવાળી વેકેશનમાં અહીં માનવસાગર ઉમટે છે. વન વિભાગના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવાસીઓના ભારે ઉત્સાહને કારણે આગામી 23 નવેમ્બર સુધીના તમામ સફારી બુકિંગ્સ પહેલેથી જ ફૂલ થઈ ચૂક્યા છે, જે ગીરના પ્રવાસન ક્ષેત્ર માટે એક મોટો રેકોર્ડ છે.
