વર્ષ ૧૯૮૪માં દેશમાં સર્જાયેલા રાજકીય ઉથલપાથલ અને અશાંતિના માહોલ વચ્ચે ગાંધી પરિવાર પર તોળાઈ રહેલા ખતરાને લઈને એક મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નવા પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં જણાવ્યું છે કે, 'ઓપરેશન બ્લૂ સ્ટાર' બાદ તત્કાલીન ગુપ્તચર એજન્સીના પ્રમુખ આર.એન. કાઓ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના અપહરણનું મોટું જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ગંભીર ચેતવણી બાદ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે બાળકોની સુરક્ષા હવે રેસિડેન્શિયલ શાળાઓમાં શક્ય નથી, જેના કારણે તેમને તાત્કાલિક ઘરે પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વાતચીતથી પરિવારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને સોનિયા ગાંધી બાળકોની સુરક્ષાને લઈને ડરના માર્યા રડી પણ પડ્યા હતા.
આ મામલે કૌટુંબિક ચિંતા ઉપરાંત રાજકીય પરિણામોની પણ ગંભીર ચર્ચા થઈ હતી. રાજીવ ગાંધી ચિંતિત હતા કે જો આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે, તો તેનાથી દેશની સરકાર અને વડાપ્રધાન પર ભારે રાજકીય દબાણ આવી શકે છે તેમજ આતંકવાદીઓ કે અસામાજિક તત્વો સરકારને બાનમાં લેવામાં સફળ થઈ શકે છે. ઉપરાંત, બંને બાળકોની શાળાઓનું મૂલ્યાંકન કરતા જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધીની સ્કૂલનો વિસ્તાર ખૂબ મોટો હોવાથી અને પ્રિયંકા ગાંધીની સ્કૂલના નાના એકમો રસ્તાની આસપાસ વિભાજિત હોવાથી ત્યાં પૂરતી સુરક્ષા પૂરી પાડવી અશક્ય હતી. આ તમામ જોખમોને ધ્યાનમાં રાખીને, શૈક્ષણિક સત્ર અધવચ્ચે જ હોવા છતાં બંને બાળકોને અચાનક બોર્ડિંગ સ્કૂલમાંથી ઉઠાડીને દિલ્હી લાવવા અનિવાર્ય બન્યા હતા.
પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરિવાર પર જોખમ વધવા છતાં ઈન્દિરા ગાંધીએ પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું અને તેમની સુરક્ષામાં તૈનાત શિખ સુરક્ષાગાર્ડ્સને હટાવવાનો સાફ ઇનકાર કર્યો હતો. દિલ્હી પરત ફર્યા બાદ સુરક્ષાના ભારે પ્રોટોકોલ વચ્ચે ભારે મુશ્કેલીથી બંને બાળકોને નવી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાના માત્ર બે મહિના બાદ જ તેમની દાદી ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી, પરંતુ આ અંતિમ દિવસોમાં બાળકોને પોતાની દાદી સાથે સમય વિતાવવાનો અવસર મળ્યો હતો જે તેમના જીવનનો એક સંવેદનશીલ અને યાદગાર તબક્કો બની રહ્યો.
