રાજકારણના મંચ પર હંમેશા અડગ અને મક્કમ દેખાતા નેતાઓ પણ અંગત જીવનમાં કેવા ગંભીર સંઘર્ષોમાંથી પસાર થતા હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા 'Belonging: A Journey of Love' પૂરું પાડે છે. તેમણે પોતાના પુસ્તકમાં પ્રથમવાર સત્તાવાર ખુલાસો કર્યો છે કે તેઓ જીવનમાં બે વખત કેન્સર જેવી જીવલેણ બીમારીની આશંકા સામે જંગ જીતી ચૂક્યા છે. વર્ષ 2010માં સ્તન કેન્સરની આશંકા અને ત્યારબાદ 2011માં પેન્ક્રિયાસમાં મળેલી રહસ્યમય ગાંઠના કારણે તેમનો પરિવાર ભારે ચિંતા અને ભયના સાાયા હેઠળ જીવ્યો હતો. આ બંને કટોકટીના સમયમાં સંભવિત પરિણામોના વિચારો માત્રથી તેઓ અંદરથી થથરી ગયા હતા, પરંતુ પરિવારના સાથ અને મજબૂત મનોબળથી તેમણે આ મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો.
પોતાની પ્રાઈવસી જળવાઈ રહે અને મીડિયામાં અટકળો ન ચાલે તે માટે સોનિયા ગાંધીએ આ તમામ સારવાર અત્યંત ગુપ્ત રાખી હતી. વર્ષ 2010માં સ્તન કેન્સરની આશંકા બાદ તેમણે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને બદલે ઇટાલીના મિલાનમાં ગુપ્ત ઓપરેશન કરવાનું પસંદ કર્યું હતું. ઓપરેશન થિયેટરમાં જતા પહેલા પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીએ તેમનો હાથ પકડીને કપાળ પર વહાલથી ચુંબન કરી જે આશ્વાસન આપ્યું હતું, તે ક્ષણ તેમના માટે અત્યંત ભાવુક હતી. આ જ રીતે, એક વર્ષ પછી નેધરલેન્ડ્સના રોટરડેમ ખાતે પેન્ક્રિયાસના ઓપરેશનને પણ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવ્યું હતું, જેની જાણ માત્ર તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કેટલાક અતિ-વિશ્વાસુ સાથીઓને જ હતી. ડૉક્ટરોની સમયસરની સૂઝબૂઝ અને અદ્યતન સારવારના કારણે તેઓ આ બંને જોખમી બીમારીઓમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા હતા.
બીમારીઓ સામેની આ લડાઈ ઉપરાંત, વર્ષ 2016માં વારાણસીના એક રોડ-શો દરમિયાન પાંચ કલાકના સતત તડકા અને શારીરિક અશક્તિના કારણે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા તે પ્રસંગ પણ એટલો જ ચર્ચાસ્પદ રહ્યો હતો. દિલ્હી પરત ફરતી વખતે હોશ અને બેહોશી વચ્ચેની તે ક્ષણોમાં તેમને દ્વિવંગત પતિ રાજીવ ગાંધીનો ચહેરો નજરે પડ્યો હતો, જેઓ સ્મિત સાથે તેમની તરફ હાથ લંબાવીને આશ્વાસન આપી રહ્યા હોય તેવી અનુભૂતિ તેમણે કરી હતી. સોનિયા ગાંધીનું આ પુસ્તક માત્ર એક રાજકીય વ્યક્તિત્વની જીવનકથા નથી, પરંતુ તે એક સામાન્ય માનવીની જેમ દર્દ, ભય, પરિવારના પ્રેમ અને અડગ મનોબળ સાથે જીવન સામે જીતેલી જંગની એક પ્રેરણાદાયી ગાથા છે.
