તમિલનાડુના કૃષિગિરિ જિલ્લામાં આવેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સના આઈફોન પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનાએ ભારે ચિંતા જગાવી છે. સોમવારે સાંજે પ્લાન્ટના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ખાતે મેન્ટેનન્સ કામગીરી દરમિયાન ઝેરી વાયુની અસરથી ત્રણ કરાર આધારિત કામદારોના દુઃખદ અવસાન થયા હતા. આ ગંભીર ઘટનાની નોંધ લઈને જિલ્લા કલેક્ટર સી. દિનેશ કુમારે ટાટા ઈલેક્ટ્રોનિક્સને પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવા અને તાત્કાલિક ધોરણે વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ (ATR) જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત સર્જાવાના કારણો, ક્ષતિઓ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટેના નિવારક પગલાંનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
આ સમગ્ર દુર્ઘટનાની કડીઓ તપાસતા બહાર આવ્યું છે કે ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ETPની જાળવણીનું કામ નાલ્કો વોટર ઈન્ટરનેશનલને સોંપવામાં આવ્યું હતું, જેણે આગળ પરમાકોર્પ નામની એજન્સી દ્વારા ચાર કામદારો કામે રાખ્યા હતા. સોમવારે આ કામદારો નેનોફિલ્ટ્રેશન ટેન્કની સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક કામદાર ટેન્કની અંદર જોતા તળિયે કચરો જમા થયેલો જણાયો હતો. અનુમાન છે કે ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે તે બેભાન થઈને ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે અંદર ગયેલા સુપરવાઈઝર અને અન્ય એક ઈલેક્ટ્રિશિયન પણ તે જ પરિસ્થિતિનો ભોગ બન્યા હતા, જેના કારણે ત્રણ નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવા પડ્યા હતા. આ ઘટના બાદ તામિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (TNPCB) અને ડાયરેક્ટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) ના અધિકારીઓ દ્વારા પ્લાન્ટમાં સુરક્ષા માપદંડોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં સમગ્ર પ્લાન્ટ બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી, પરંતુ ETP પ્લાન્ટની કામગીરી માત્ર ત્યારે જ પુનઃ શરૂ કરવા દેવામાં આવશે જ્યારે સંબંધિત અધિકારીઓ દ્વારા તમામ જરૂરી સુરક્ષા ઉપાયોની ખાતરી કરવામાં આવે. બીજી તરફ, તામિલનાડુના ઉદ્યોગ મંત્રી એસ. કીર્તનાએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને દરેક સંભવિત સહાય પૂરી પાડવા અને પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી હેન્ડલ કરવા તંત્રને નિર્દેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે દરેક કામદારની સુરક્ષા સર્વોપરી છે અને આ મામલે યોગ્ય તપાસ કરીને ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવા કડક પગલાં લેવામાં આવશે.
