ટેકનોલોજીની દુનિયામાં સર્વોપરિતા હાંસલ કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે, અને તાજેતરના અહેવાલો મુજબ એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગને નિશાન બનાવીને એક કથિત જાસૂસી ઓપરેશન ચલાવવામાં આવ્યું હોવાની આશંકા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, સિંગાપોર સ્થિત મેગાસ્પીડ ઈન્ટરનેશનલના પૂર્વ એક્ઝિક્યુટિવ અને ભૂતપૂર્વ ટીવી પત્રકાર એલિસ હુઆંગ ઉર્ફે હુઆંગ લે સાથેના સંબંધોને કારણે આ વિવાદ ઊભો થયો છે. ચીનના પ્રભાવ હેઠળના આ ડેટા-સેન્ટર બિઝનેસે છેલ્લા બે વર્ષમાં અબજો ડોલરના એનવીડિયા ચિપ્સ ખરીદ્યા હતા, જે દક્ષિણ-પૂર્વ એશિયા થઈને પ્રતિબંધિત ચીન સુધી પહોંચતા હોવાની શંકા છે. આ મામલે એલિસ હુઆંગ પર ચીની ગુપ્તચરો માટે માહિતી એકત્રિત કરવાનો આરોપ લાગ્યો છે, જોકે બેઇજિંગે આ તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે.
આ સંવેદનશીલ મુદ્દા વચ્ચે જેેનસન હુઆંગે સ્વીકાર્યું છે કે તેમણે તેમની પત્ની પ્રત્યે બેવફાઈ કરી હતી અને આ બાબત માટે કોઈ બહાનું હોઈ શકે નહીં, જ્યારે એનવીડિયાના બોર્ડે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક સ્વતંત્ર સમિતિ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. કંપનીના પ્રાથમિક નિવેદન મુજબ, રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત ડેટા સાથે કોઈ ચેડા થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, છતાં આ સમગ્ર પ્રકરણે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામેલ હુઆંગનું સમર્થન કરતા તેમને એક સન્માનિત વ્યક્તિ ગણાવ્યા છે, પરંતુ આગામી એપેક (APEC) પરિષદ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાનારી ટ્રમ્પની બેઠક પહેલા આ ઘટનાક્રમે બંને દેશોના રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવી દીધા છે.
અમેરિકી સંસદ અને વિવિધ સમિતિઓના પ્રમુખોએ પણ આ મામલે કડક વલણ અપનાવતા હુઆંગને બંધ બારણે સુરક્ષા અને જાસૂસી સામેના રક્ષણ અંગે સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા છે. જેેનસન હુઆંગ માત્ર એક કોર્પોરેટ સીઈઓ નથી પરંતુ વૈશ્વિક એઆઈ ક્રાંતિનો મુખ્ય ચહેરો છે, જેમણે વ્હાઇટ હાઉસથી લઈને સિલિકોન વેલી અને ભારત જેવા મહત્ત્વના દેશો સાથે મજબૂત વ્યાપારી સંબંધો બાંધ્યા છે. તાજેતરમાં જ ભારતના પ્રવાસે આવેલા અને પ્રધાનમંત્રી મોદી સાથે મહત્વની બેઠકો કરનાર હુઆંગ માટે આ વિવાદ એક મોટી કસોટી સમાન બની રહ્યો છે. એક તરફ તેઓ અમેરિકાના ટેકનોલોજી સેક્ટરના અગ્રેસર નેતા છે અને બીજી તરફ ચીન સાથે વ્યાપારી સંબંધો જાળવી રાખવાના પક્ષકાર છે, ત્યારે આ જાસૂસી શંકાઓ તેમની આગામી સફર અને કંપનીના ભવિષ્ય પર કેટલી અસર કરે છે તે જોવું રહ્યું.
