ચેન્નાઈ સ્થિત જાણીતા મુરુગપ્પા ગ્રૂપની એન્જિનિયરિંગ કંપની ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઇન્ડિયા (TII) અંતર્ગત કાર્યરત ઇલેક્ટ્રિક મોબિલિટી યુનિટ 'ટીઆઈ ક્લીન મોબિલિટી' (TICM) એ પોતાના ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયો માટે સ્પષ્ટ નાણાકીય લક્ષ્યાંકો નક્કી કર્યા છે. કંપનીના મેનેજમેન્ટે ત્રિમાસિક નાણાકીય પરિણામોની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે તેમનો ઇલેક્ટ્રિક ટ્રક વ્યવસાય નાણાકીય વર્ષ ૨૦૨૭ના ચોથા ક્વાર્ટર સુધીમાં EBITDA બ્રેક-એવન હાંસલ કરી લેશે, જ્યારે અન્ય બે વ્યવસાયો ૨૦૨૮ના ચોથા ક્વાર્ટર સુધીમાં આ સીમાચિહ્ન સર કરશે. જોકે, ચોથો વ્યવસાય હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને સંગઠનાત્મક સ્તરે કંપનીનો પ્રથમ હેતુ ઓપરેશનલ નફાકારકતા મેળવવાનો અને ત્યારબાદ શુદ્ધ નફા (Net Profit) તરફ આગળ વધવાનો છે.
વૈશ્વિક સ્તરે બેટરી સેલના વધતા ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને કાચા માલની ઊંચી કિંમતોને કારણે કંપનીના ઇનપુટ કોસ્ટ પર દબાણ વધ્યું છે, જેનાથી પ્રોફિટ માર્જિન પ્રભાવિત થયું છે. આ પડકારોનો સામનો કરવા અને વિકાસને વેગ આપવા માટે કંપનીએ પાંચ પ્રમુખ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. જેમાં કાચા માલનો ખર્ચ ઘટાડવો, આફ્ટર-સેલ્સ સર્વિસ મજબૂત કરવી, નફાકારક સેગમેન્ટ્સની ઓળખ કરવી અને બજારની જરૂરિયાતો અનુસાર નવા ઉત્પાદનો લોન્ચ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની કિંતોમાં સમયાંતરે યોગ્ય ફેરફાર કરવા અને કાચા માલની ખરીદી માટે લાંબા ગાળાના કરાર કરવા પર પણ ભાર મૂકી રહી છે.
વૈશ્વિક હરીફાઈ છતાં TICM એ ઇલેક્ટ્રિક ટ્રક અને નાના કોમર્શિયલ વાહનો (SCVs) તેમજ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ક્ષેત્રે આશરે ૨૫ થી ૨૬ ટકા જેટલો મજબૂત બજાર હિસ્સો હાંસલ કર્યો છે, જો કે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટમાં કંપનીએ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં કંપનીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયમાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયાની આવક મેળવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. કંપની પાસે હાલમાં પૂરતું ભંડોળ અને રોકડ અનામત ઉપલબ્ધ છે, જે વર્તમાન નાણાકીય વર્ષની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું સાબિત થશે.
