JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

દેશમાં ટ્રાફિક ચલણ ન ભરવાનું પ્રમાણ વધ્યું, દંડ વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો

| By JAMNAGAR MIRROR
દેશમાં ટ્રાફિક ચલણ ન ભરવાનું પ્રમાણ વધ્યું, દંડ વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો
વર્ષ ૨૦૨૬ના પ્રથમ દસ મહિનામાં ટ્રાફિક ચલણના નિકાલનો દર ઘટીને માત્ર ૧૭.૮ ટકા થયો છે, જેના કારણે સરકારની દંડની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓટોમેટેડ સિસ્ટમ અને વહીવટી મર્યાદાઓને કારણે કરોડો રૂપિયાના દંડની રકમ હજુ પણ વસૂલાત વગર પેન્ડિંગ પડી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન દેશભરમાં જારી કરવામાં આવેલા કુલ ૯.૦૪ કરોડ ટ્રાફિક ચલણમાંથી માત્ર ૧.૬૧ કરોડ ચલણનો જ નિકાલ થઈ શક્યો છે, જ્યારે ૭.૪૨ કરોડ ચલણ હજુ પણ પેન્ડિંગ છે. ચલણના નિકાલની આ ટકાવારી વર્ષ ૨૦૨૨ના સમાન સમયગાળામાં ૫૩.૩ ટકા હતી, જે ઘટીને વર્તમાન વર્ષમાં માત્ર ૧૭.૮ ટકા પર આવી ગઈ છે. આ ઉપરાંત, દંડની કુલ જારી કરાયેલી રકમ ૧૬,૯૦૩.૯૩ કરોડ રૂપિયા હતી, જેમાંથી સત્તાવાળાઓ માત્ર ૨,૮૨૪.૩૮ કરોડ રૂપિયા જ વસૂલ કરી શક્યા છે અને ૧૪,૦૭૯.૫૫ કરોડ રૂપિયાની માતબર રકમ વસૂલવાની બાકી છે.

સરકારી અધિકારીઓનું માનવું છે કે ઓટોમેટેડ એન્ફોર્સમેન્ટ સિસ્ટમ દ્વારા મોટી સંખ્યામાં ઈ-ચલણ જનરેટ થઈ રહ્યા છે, પરંતુ તેની સામે ટ્રાફિક પોલીસ, પરિવહન વિભાગ અને અદાલતોની કાર્યક્ષમતા અને ક્ષમતા નિયમોના ભંગના વધતા જતા કેસોને પહોંચી વળવા માટે અપૂરતી સાબિત થઈ રહી છે. સંસ્થાકીય મર્યાદાઓ અને કડક દંડાત્મક કાર્યવાહીના અભાવે વાહનચાલકો દંડ ભરવાનું ટાળી રહ્યા છે. અદાલતોની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૬ના પ્રથમ દસ મહિનામાં મોકલવામાં આવેલા ૧.૪૩ કરોડ કેસોમાંથી માત્ર ૮ લાખ એટલે કે ૨.૯ ટકા કેસોનો જ નિકાલ થઈ શક્યો છે, જેના કારણે કોર્ટોમાં પણ પેન્ડિંગ કેસોનો બોજ સતત વધી રહ્યો છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પણ કડક રૂખ અપનાવ્યો છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ટ્રાફિક દંડ ન ભરનાર વાહનચાલકો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અડાતની સૂચના મુજબ, પેન્ડિંગ ચલણ ધરાવતા વાહનો માટે ઓનલાઈન સેવાઓ જેવી કે રજીસ્ટ્રેશન રિન્યુઅલ, ફિટનેસ સર્ટિફિકેટ અને ઓનરશીપ ટ્રાન્સફર ફ્રીઝ કરી દેવામાં આવશે તેમજ 'પરિવહન' પૉર્ટલ પર આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, નબળી અમલવારીના કારણે માર્ગ સલામતી જોખમાઈ રહી છે અને અકસ્માતો તેમજ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.

LATEST ARTICLES