બાંગ્લાદેશના ઉત્તરા નગરના સેક્ટર ૧૨ અને ટેકપરા વિસ્તારની પતરાવાળી ઝૂંપડપટ્ટીઓમાં ચીની નાગરિકો દ્વારા મોટું કાવતરું ચલાવવામાં આવી રહ્યું છે. બે સ્માર્ટફોન અને સ્ક્રિપ્ટ સાથે સવારથી મોડી રાત સુધી લાઈવ પ્રસારણ કરતા આ લોકો ચીનની લોકપ્રિય એપ્સ વીચેટ અને ડૌયિન (ટિકટોકનું ચાઇનીઝ વર્ઝન) પર વીડિયો પ્રસારિત કરે છે. આ કામ માટે તેઓ સ્થાનિક ગાઇડને રોજના ૭૦૦ થી ૮૦૦ ટાકા ચૂકવીને તેમની મદદ લે છે. 'પ્રથમ આલો' અખબારની તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ પ્રવૃત્તિ પાછળ ચીની પ્રોડક્ટ્સનું પ્રમોશન અને ભારતની છબી ખરાબ કરવાનો સોશિયલ મીડિયા પ્રોપેગેન્ડા મુખ્ય ઉદ્દેશ્ય છે.
ચીની સ્રોતો દ્વારા કરવામાં આવતા પ્રસારણના ભાષાંતર અને ચકાસણી પરથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મિઆનમિયાન નામની એક ચીની યુવતીએ ગંદી ઝૂંપડપટ્ટીઓ બતાવીને દિલ્હીની કથિત દયનીય સ્થિતિ અને બગડેલી કાયદો-વ્યવસ્થા અંગે ખોટી માહિતી ફેલાવી હતી. તો વળી વાંગ વેઈ નામના અન્ય એક ક્રિએટરે સ્થાનિક લોકો ગંદુ પાણી ઉકાળીને 'ગાયના મૂત્રની ચા' પી રહ્યા હોવાનો બેફામ જૂઠાણું ચલાવ્યું હતું. કેટલાક સ્ટ્રીમર્સ તો પોતાને ભારતીય યુવકો સાથે પરણેલી ચીની મહિલાઓ તરીકે પણ ઓળખાવતા હતા અને સાથે-સાથે બિલ્ડિંગો પર દેખાતી ચાઇનીઝ એસી બ્રાન્ડ્સનું પ્રમોશન પણ કરતા હતા.
આ સતત ચાલતા પ્રસારણોને કારણે સ્થાનિક રહેવાસીઓની પ્રાઈવસીનો ભંગ થઈ રહ્યો છે અને ભારે રોષ ફેલાયો છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ લાઈવ સ્ટ્રીમર્સ વગર પૂછ્યે ઘરોમાં ઘૂસી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં બાથરૂમ સુધીના દ્રશ્યો કેદ કરી લે છે. વિરોધ કરવા પર તેઓ માફી માંગીને જતા રહે છે અને થોડીવારમાં પાછા આવી જાય છે. મહિનાઓ સુધી ફરિયાદો કરવા છતાં ભાષાકીય અવરોધોને કારણે ઉત્તરા પશ્ચિમ પોલીસ સ્ટેશને આ મામલે હજુ સુધી કોઈ સક્રિય કાર્યવાહી કે દેખરેખ રાખી નથી, જેના કારણે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે પણ નારાજગી જોવા મળી રહી છે.
