અંતાલ્યા ખાતે જાહેર કરાયેલા ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના તાજેતરના સંશોધન અહેવાલે દુનિયાભરના પર્યાવરણ અને આર્થિક સમીકરણો પર નવો પ્રકાશ પાડ્યો છે. પર્શિયન ગલ્ફમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઊર્જા કટોકટી અને તેલ-ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થવાથી વૈશ્વિક સ્તરે અશ્મિભૂત બળતણના ઉત્સર્જનમાં અસ્થાયી ઘટાડો નોંધાયો છે. ચીન, અમેરિકા, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા અગ્રણી દેશોમાં કાર્બન ઉત્સર્જન ઘટવાનો અંદાજ છે, કારણ કે આ દેશોમાં સૌર અને પવન ઊર્જા તેમજ ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ભૌગોલિક રાજકીય આંચકાઓને કારણે આવેલો આ ઘટાડો કોઈ કાયમી આબોહવાકીય ઉકેલ નથી, કારણ કે આ પરિવર્તનો હજુ પર્યાપ્ત રીતે માળખાકીય સ્તરે મજબૂત બન્યા નથી.
વૈશ્વિક પ્રવાહોથી વિપરીત, ભારતનું કાર્બન ઉત્સર્જન ચાલુ વર્ષે ૪.૪ ટકાના દરે વધવાની ધારણા છે, જે છેલ્લા દાયકાના ૩.૫ ટકાના વાર્ષિક સરેરાશ વિકાસ દર કરતાં પણ વધુ ઝડપી છે. ભારતની વધતી જતી આર્થિક જરૂરિયાતો અને ઊર્જાની માંગને કારણે આ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચીન દુનિયાનું સૌથી મોટું ૩૨ ટકા અશ્મિભૂત ઉત્સર્જન કરતું રાષ્ટ્ર હોવા છતાં, ગ્રીન ટેક્નોલોજીના સૌથી વધુ ઉપયોગ અને વનીકરણ દ્વારા પોતાના ઉત્સર્જનમાં ૦.૯ ટકાનો ઘટાડો નોંધાવવામાં સફળ રહ્યું છે. વૈશ્વિક સ્તરે રિન્યુઅલ એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોના કારણે ટાળવામાં આવેલા કુલ ઉત્સર્જનનો અડધો હિસ્સો માત્ર ચીનમાંથી આવે છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં પણ કોલસાના વપરાશમાં ઘટાડાને કારણે ઉત્સર્જન ઘટ્યું છે.
સંશોધકોના મતે, પૃથ્વીના તાપમાનને પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ વધતું અટકાવવા માટે હવે માત્ર ૧૫૦ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરવાની છૂટ બાકી છે, જે વર્તમાન દરે માત્ર ચાર વર્ષથી પણ ઓછો સમય દર્શાવે છે. જોકે, વૈજ્ઞાનિકો આશાવાદી છે કે જો સ્વચ્છ ટેક્નોલોજીના પ્રસારને વધુ વેગ આપવામાં આવે અને તેને સતત સમર્થન મળે, તો આગામી થોડા વર્ષોમાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જન તેના સર્વોચ્ચ સ્તરે પહોંચીને કાયમી ધોરણે ઘટવાની શરૂઆત થઈ શકે છે.
