JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પોરબંદર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, ૩૭ વર્ષના જૂના કાર્યકર્તાએ પ્રદેશ અને કેન્દ્રમાં કરી લેખિત ફરિયાદ

| By JAMNAGAR MIRROR
પોરબંદર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, ૩૭ વર્ષના જૂના કાર્યકર્તાએ પ્રદેશ અને કેન્દ્રમાં કરી લેખિત ફરિયાદ
પોરબંદર જિલ્લા ભાજપમાં ચાલી રહેલો આંતરસંગઠનનો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાયો છે. ૩૭ વર્ષથી પક્ષ સાથે વફાદાર રહેલા કમલેશ થાનકીએ જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરી સંગઠન માળખું વિખેરી નાખવા ઉચ્ચસ્તરીય રજૂઆત કરી છે.

પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનમાં લાંબા સમયથી દબાયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે અને તેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પક્ષના એક કે બે વર્ષ નહીં પરંતુ છેલ્લા ૩૭ વર્ષથી સક્રિય અને વફાદાર કાર્યકર્તા તરીકે સેવા આપનાર કમલેશ થાનકીએ સંગઠનની કામગીરી સામે બંડ પોકાર્યું છે. તેમણે સીધા જ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાની ઉચ્ચ નેતાગીરી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવીને પક્ષના આંતરિક વહીવટ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. આ ઘટનાથી પોરબંદરના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે અને સંગઠનની કામગીરી સામે અનેક આશંકાઓ સેવવામાં આવી રહી છે.

પોતાની નારાજગી વ્યક્ત કરતા કમલેશ થાનકીએ અત્યંત આક્રમક અને તીખી ભાષામાં જણાવ્યું હતું કે, "કાળી ચૌદસ ગઈ પણ હજુ સંગઠનમાં કાળી ચૌદસ વાળા જ બેઠેલા છે." આ સીધા પ્રહાર દ્વારા તેમણે વર્તમાન સંગઠન અને તેના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેન્દ્ર અને પ્રદેશ નેતૃત્વને મોકલવામાં આવેલા પત્રમાં ખાસ કરીને જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારીની પૃષ્ઠભૂમિ વિવાદસ્પદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ જણાવાયું છે કે જિલ્લા પ્રમુખના પરિવાર કે પતિ ભૂતકાળમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે, જેના કારણે પક્ષની સ્વચ્છ છબીને મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ ગંભીર રજૂઆત બાદ કમલેશ થાનકીએ માંગ કરી છે કે પોરબંદર જિલ્લા ભાજપનું વર્તમાન સંગઠન માળખું તાત્કાલિક અસરથી વિખેરી નાખવું જોઈએ. વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક અને કોઈ પણ વિવાદ વગર કામ કરી રહેલા અનુભવી આગેવાનો તથા સાચા કાર્યકરોને સંગઠનમાં યોગ્ય જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. પક્ષની આંતરિક શિસ્ત અને છબીને જાળવી રાખવા માટે પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આગામી સમયમાં શું પગલાં લેવામાં આવે છે અને આ વિવાદ શું નવો રાજકીય વળાંક લે છે, તેના પર સૌની મીટ નભેલી છે.

LATEST ARTICLES