JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

આગામી 10 નવેમ્બરના રોજ દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાશે ગોવર્ધન પૂજા, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

| By JAMNAGAR MIRROR
આગામી 10 નવેમ્બરના રોજ દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાશે ગોવર્ધન પૂજા, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
આગામી 10 નવેમ્બર 2026ના રોજ દેશભરમાં ગોવર્ધન પૂજાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણની લીલા અને ગિરિરાજ પર્વતની 21 કિલોમીટર લાંબી પરિક્રમાનું વિશેષ મહત્વ ધરાવે છે.

હિન્દુ ધર્મમાં દિવાળીના બીજા દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદા તિથિ પર ગોવર્ધન પૂજાનો મહોત્સવ અત્યંત ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણની તે ઐતિહાસિક લીલાની યાદ અપાવે છે જ્યારે તેમણે દેવરાજ ઇન્દ્રના પ્રકોપથી વ્રજવાસીઓ અને પશુધનની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો હતો. ત્યારથી જ ગિરિરાજ મહારાજને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ તરીકે પૂજવાની પરંપરા અવિરત ચાલી આવી રહી છે. આ વર્ષે આ તિથિ 9 નવેમ્બરની બપોરથી શરૂ થઈને 10 નવેમ્બરની બપોર સુધી રહેવાની હોવાથી, ઉદય તિથિના આધારે 10 નવેમ્બર 2026, મંગળવારના રોજ જ ગોવર્ધન પૂજા કરવામાં આવશે.

આ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે પૂજાના અનેક શુભ મુહૂર્તો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સવારે 6:40 થી 8:50 સુધીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત સવારે 11:43 થી બપોરે 12:26 દરમિયાન અભિજીત મુહૂર્ત અને સંધ્યાકાળે 5:30 થી 5:56 સુધી ગોધૂલી મુહૂર્તમાં પણ પૂજા કરી શકાશે. ગોવર્ધન પૂજામાં ગિરિરાજ મહારાજની 21 કિલોમીટર લાંબી પરિક્રમાનું પણ વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો આ પરિક્રમા કરવા માટે વ્રજભૂમિ પહોંચે છે, કારણ કે માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં સ્વયં શ્રીકૃષ્ણે આ પરિક્રમા કરી હતી અને તેના દર્શન માત્રથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પૂજાની વિધિની વાત કરીએ તો, આ દિવસે વહેલી સવારે સ્નાન આદિ નિવૃત્ત થઈને ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતની સુંદર આકૃતિ બનાવવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બનાવાતી આ આકૃતિને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે અને તેની પાસે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરાય છે. ગોવર્ધનની નાભિના સ્થાને માટીનો દીવો પ્રગટાવીને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ અવસરે ભગવાનને ફળ, ફૂલ અને મિઠાઈની સાથેસાથે વિશેષ રૂપે કઢી, ભાત અને અન્નકૂટનો ભોગ ધરવામાં આવે છે, જે આ તહેવારની પરંપરાગત અને આકર્ષક વિશેષતા છે.

LATEST ARTICLES