JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની બેદરકારી: શ્રીનગર જતી ફ્લાઇટ ૧૨ કલાક મોડી પડતા ૧૮૯ મુસાફરોનો હોબાળો

| By JAMNAGAR MIRROR
અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની બેદરકારી: શ્રીનગર જતી ફ્લાઇટ ૧૨ કલાક મોડી પડતા ૧૮૯ મુસાફરોનો હોબાળો
દિવાળી વેકેશનમાં શ્રીનગર જવા નીકળેલા ૧૮૯ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર ૧૨ કલાકથી વધુ સમય સુધી રઝળવું પડ્યું હતું. સ્પાઇસજેટની ફ્લાઇટ સમયસર ન ઉપડતા અને એરલાઇન્સ દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે શ્રીનગર ફરવા જવાનું સપનું લઈને અમદાવાદ એરપોર્ટ પહોંચેલા ૧૮૯ મુસાફરો માટે નવું વર્ષ અણધારી મુસીબતમાં ફેરવાઈ ગયું હતું. સવારે ૮:૪૦ વાગ્યે ઉપડનારી સ્પાઇસજેટની SG 9634 ફ્લાઇટ પકડવા માટે મુસાફરો વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ જ એરપોર્ટ પહોંચી ગયા હતા અને નિયમ મુજબ ચેકિંગ તથા લગેજ પણ જમા કરાવી દીધા હતા. પરંતુ, એરલાઇન્સના અધિકારીઓ દ્વારા ટેકનિકલ કારણો આગળ ધરીને વારંવાર ફ્લાઇટ એક-બે કલાક મોડી પડવાની ખોટી આશા આપવામાં આવી હતી. કોઈ ચોક્કસ માહિતીના અભાવે આખો દિવસ પસાર થઈ ગયો અને રાતના આઠ વાગ્યા સુધી પણ ફ્લાઇટ ટેકઓફ થઈ શકી નહોતી, જેના કારણે રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ ટર્મિનલમાં હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે CISFના જવાનોને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

આ અરાજકતા વચ્ચે મુસાફરોની મુશ્કેલીઓમાં ત્યારે વધારો થયો જ્યારે તેમને જાણ થઈ કે તેમનું લગેજ પહેલેથી જ જમા થઈ ચૂક્યું હોવાથી નાની બાળકોવાળા પરિવારો માટે જરૂરી દવાઓ અને અન્ય ચીજવસ્તુઓ મેળવવી પણ અશક્ય બની ગયું છે. કલાકો સુધી એરપોર્ટ પર ભૂખ્યા-તરસ્યા બેસી રહેવા છતાં એરલાઇન્સ દ્વારા ચા-નાસ્તા કે ભોજનની પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં ન આવતા કેટલાક મુસાફરોની તબિયત બગડી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. વળી, પ્રત્યેક મુસાફરે ટૂર પેકેજ પાછળ ૫૦થી ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો તેમજ શ્રીનગરમાં હોટલ અને વાહનોનું અગાઉથી બુકિંગ કરાવ્યું હતું, જેના કારણે ફ્લાઇટના અસાધારણ વિલંબથી માત્ર પ્રવાસનું આયોજન જ નહીં પરંતુ મોટું આર્થિક નુકસાન થવાની પણ ભીતિ સર્જાઈ હતી.

એરપોર્ટ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, સ્પાઇસજેટની કથળેલી આર્થિક સ્થિતિ અને ફ્યુઅલ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળતાને કારણે ઓઇલ કંપની દ્વારા ઇંધણ ન પૂરું પાડવામાં આવ્યું હોવાને લીધે આ ફ્લાઇટ રઝળી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે એરલાઇન્સ દ્વારા સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ મોડી સાંજે સાડા સાત વાગ્યા આસપાસ બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરાવીને રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં ફ્લાઇટ શ્રીનગર માટે રવાના થશે તેવી આશાસ્પદ માહિતી મુસાફરોને આપવામાં આવી હતી. વિમાન કંપનીઓની આ પ્રકારની બેદરકારી અને નબળા સંચાલનને કારણે સામાન્ય મુસાફરોનો તહેવારનો આનંદ ઉત્સવને બદલે માનસિક ત્રાસમાં પરિવર્તિત થઈ ગયો હતો.

LATEST ARTICLES