ગુજરાતી સંસ્કૃતિમાં વિક્રમ સંવતના નૂતન વર્ષનું વિશેષ મહત્વ છે અને આજરોજ સમગ્ર રાજ્યમાં વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો પોતાના સ્વજનો અને મિત્રોને મળીને 'સાલ મુબારક' પાઠવી રહ્યા છે અને નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે. આ પાવન અવસરે રાજ્યના તમામ નાના-મોટા શહેરો અને ગામડાઓમાં ઉત્સવનું વાતાવરણ છવાયું છે, જ્યાં સૌ કોઈ ભૂતકાળની કડવી યાદોને ભૂલીને નવી આશાઓ અને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધી રહ્યા છે.
નવા વર્ષના આ શુભ દિને આસ્થા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ વિશેષ આરતી અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગશે. આ ઉપરાંત, રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ જનતા સાથે આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ગાંધીનગરના પંચદેવ મંદિર અને ત્યારબાદ ઐતિહાસિક નગરદેવી મા ભદ્રકાળીના ચરણે શીશ ઝૂકીને રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નવા વર્ષના કાર્યોનો શુભારંભ કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ્થાને પણ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
નવા વર્ષની ઉજવણીનો મુખ્ય આકર્ષણ દૈવી અન્નકૂટ દર્શન રહે છે. ઇસ્કોન મંદિર, ભદ્રકાળી મંદિર તેમજ ડાકોર, અંબાજી, ગીર સોમનાથ, શામળાજી, પાવાગઢ, દ્વારકા, ઊંઝા અને સાળંગપુર સહિતના ગુજરાતભરના પ્રખ્યાત તીર્થક્ષેત્રો અને મંદિરોમાં ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી સંભાવના છે, જેને લઈને તમામ મંદિરોમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
