JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

મધ્ય પ્રદેશના સિવનીમાં ભીષણ આગ: સોનાના વેપારીના પરિવારના ૬ સભ્યોના ગૂંગળાઈ જવાથી કરુણ મોત

Nov 09, 2026 | 15:30 | By JAMNAGAR MIRROR
મધ્ય પ્રદેશના સિવનીમાં ભીષણ આગ: સોનાના વેપારીના પરિવારના ૬ સભ્યોના ગૂંગળાઈ જવાથી કરુણ મોત
મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના છપારા ખાતે વહેલી સવારે એક જાણીતા સોનાના વેપારીના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગવાથી એક જ પરિવારના ૬ સભ્યોનાં ગૂંગળાઈ જવાથી મોત થયાં છે. અચાનક બનેલી આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં આવેલા છપારા સ્થિત મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીં રહેતા એક જાણીતા સોનાના વેપારી કુન્દન લાલ સોનીના ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ભડકી ઊઠતાં એક જ પરિવારના ૬ સભ્યોના આગ અને ધુમાડામાં ગૂંગળાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટના બની તે સમયે મકાનમાં પરિવારના અંદાજે ૧૦ જેટલા સભ્યો હાજર હતા. વહેલી સવારે આશરે ૪ વાગ્યાના સુમારે જ્યારે આખો પરિવાર ઘોર નિંદ્રામાં હતો, ત્યારે મકાનમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં વિકરાળ જ્વાળાઓએ સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું, જેના કારણે આખા મકાનમાં કાળોકટ્ટ ધુમાડો ફેલાઈ ગયો હતો.

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચીસિયારીઓ મચી ગઈ હતી, અને સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર ધસી આવી હતી અને રેસ્ક્યૂ ટીમે સત્વરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ટીમે ૪ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ૬ સભ્યો આગ અને ગાઢ ધુમાડાની વચ્ચે ફસાઈ જવાથી જીવ ગુમાવી બેઠા હતા.

ઘટનાસ્થળે હાજર SDOP અપૂર્વ ભલાવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ મકાનમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. જો કે, ઘરમાં અચાનક આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પોલીસે તમામ ૬ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને આ દુર્ઘટના પાછળના સાચા કારણો જાણવા માટે પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LATEST ARTICLES