JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

એન્વીડિયાના સીઈઓ જેનસેન હુઆંગના સંબંધો વિવાદમાં, કંપનીએ શરૂ કરી આંતરિક તપાસ

Nov 09, 2026 | 07:25 | By JAMNAGAR MIRROR
એન્વીડિયાના સીઈઓ જેનસેન હુઆંગના સંબંધો વિવાદમાં, કંપનીએ શરૂ કરી આંતરિક તપાસ
ગ્લોબલ ટેક જાયન્ટ એન્વીડિયાના સીઈઓ જેનસેન હુઆંગે ચીની જાસૂસ હોવાની શંકા ધરાવતી મહિલા સાથેના સંબંધોની કબૂલાત કરતાં કંપનીના બોર્ડે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે. આ કૌભાંડમાં રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ડેટા સાથે કોઈ ચેડાં થયા હોવાના હાલ કોઈ પુરાવા નથી.

વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક્નોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવતી એન્વીડિયાના સીઈઓ જેનસેન હુઆંગ એક મોટા અંગત અને સુરક્ષા વિવાદમાં સપડાયા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચીન માટે જાસૂસી કરતી હોવાની શંકા સેવવામાં આવી રહી છે તેવી એક વ્યાપારિક અઘિકારી સાથેના સંબંધો વિશે ખુલાસો થયા બાદ, એન્વીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રવિવારે એક ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૬૩ વર્ષીય જેનસેન હુઆંગે કંપનીને મોકલેલા એક ભાવનાત્મક સંદેશમાં પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા ન હતા અને તેમના આ કૃત્યથી પરિવારને પહોંચેલી વેદના માટે તેમની પાસે કોઈ બહાનું નથી તેમજ તેઓ આ બાબતે ઊંડો પસ્તાવો કરે છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'ની ટોચની એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ અને જેનસેન હુઆંગ વચ્ચેના ગાઢ સંબંધોના ખુલાસાથી થઈ હતી. અગાઉ ચીનમાં ટેલિવિઝન રિપોર્ટર રહી ચૂકેલી એલિસ હુઆંગ પર અમેરિકી જાસૂસી એજન્સીઓએ બેઇજિંગને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ મૂક્યો છે, કારણ કે તેમની કંપની મેગાસ્પીડ એન્વીડિયાના મુખ્ય ગ્રાહકોમાંની એક છે અને તેણે છેલ્લા બે વર્ષમાં અબજો ડોલરના હાઇ-એન્ડ ચિપ્સ ખરીદ્યા છે. જો કે, એન્વીડિયાના બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે આ મામલાને કારણે કંપનીના કોઈ ગુપ્ત રહસ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાયા છે. તેમ છતાં, પારદર્શિતા જાળવવા માટે કંપની તમામ ઉપલબ્ધ પાસાઓની ઝીણવટભરી તપાસ કરશે અને જેનસેન હુઆંગ આ આખી પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.

આટલા મોટા આંતરરાષ્ટ્રીય વિવાદ વચ્ચે પણ જેનસેન હુઆંગ તપાસ ચાલુ રહે દરમિયાન પોતાના પદ પર યથાવત રહેશે અને કંપનીનું સંચાલન સંભાળતા રહેશે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગના કાર્યોની પ્રશંસા કરી હતી અને તેમને એક સન્માનનીય વ્યક્તિ ગણાવ્યા હતા, જ્યારે સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિઓએ આંતરિક કોર્પોરેટ મામલો હોવાનું કહીને સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. એન્વીડિયા આજરોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની ક્રાંતિમાં કેન્દ્રસ્થાન પર છે અને તેના શક્તિશાળી પ્રોસેસર્સ વૈશ્વિક ટેક માર્કેટમાં સર્વોપરી છે, ત્યારે આ ઉચ્ચસ્તરીય તપાસ આગામી દિવસોમાં કેવા વળાંક લે છે તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે.

LATEST ARTICLES