શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે આનંદના બદલે હિંસાની એક ગંભીર ઘટના સામે આવી છે. વિરમગામની ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને કટલરીનો વ્યવસાય કરતા વિજયભાઈ રમેશભાઈ ડાભીને લક્ષ્મીબાગ સોસાયટીમાં રહેતા મિલન ઠક્કર સાથે મિત્રતા હતી. છેલ્લા કેટલાક સમયથી મિલન ઠક્કર દ્વારા વિજયભાઈની અંગત બાબતોને લઈને મશ્કરી કરવામાં આવતી હતી, જે અવારનવાર બંને વચ્ચે મનદુઃખનું કારણ બનતી હતી. શુક્રવારે રાત્રે ધનતેરસના પવિત્ર દિવસે ફરી એકવાર ફોન પર આવી જ બાબતે વાતચીત દરમિયાન વિજયભાઈએ પણ સામે મશ્કરી કરતા મામલો વણસ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ફોન કોલ બાદ બંને પક્ષો વચ્ચેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ફોન પર થયેલી બોલાચાલી બાદ મામલો શાંત થવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો. વિજયભાઈ ડાભી રાત્રે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમને ધમકીઓ મળી હતી, જેના કારણે તેઓ પાછા પોતાની દુકાને જતા રહ્યા હતા. મોડી રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં જ્યારે વિજયભાઈ અને તેમના બંને પુત્રો ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સોસાયટી નજીક અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા મિલન ઠક્કર, કરણ ઠક્કર, પિંટુ ઠક્કર, અરવિંદ રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં હુમલાખોરોએ લાકડીઓનો બેફામ ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિજયભાઈ ડાભીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પિતા પર થયેલા હુમલાને જોઈને વચ્ચે બચાવવા ગયેલા તેમના નાના પુત્ર અભય ડાભીને પણ ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો હતો. હુમલાખોરો ઈજાગ્રસ્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. તાત્કાલિક ધોરણે વિજયભાઈના મોટા પુત્ર દ્વારા બંને પિતા-પુત્રને વિરમગામની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વિજય ડાભી હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે નાના પુત્ર અભયને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિજયભાઈ ડાભીએ મિલન ઠક્કર (પાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ) સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વિરમગામ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ત્વરિત ગતિમાન કર્યા છે.
