JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પરિવારથી દૂર રહીને પણ રાજકોટ એસટી વિભાગના કર્મચારીઓએ મુસાફરોની સેવા સાથે ઉજવી દિવાળી

Nov 09, 2026 | 06:15 | By JAMNAGAR MIRROR
પરિવારથી દૂર રહીને પણ રાજકોટ એસટી વિભાગના કર્મચારીઓએ મુસાફરોની સેવા સાથે ઉજવી દિવાળી
રાજકોટ એસટી વિભાગના ડ્રાઈવરો અને કંડક્ટરો તહેવારની રજાઓમાં પણ મુસાફરોની સેવામાં ખડેપગે રહ્યા છે. કર્મચારીઓની આ નિષ્ઠાનેિરદાવવા ડેપો ખાતે દિવાળીની ઉજવણી કરી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીના પર્વ પર જ્યારે સમગ્ર રાજ્યમાં લોકો પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે રાજકોટ એસટી વિભાગના ૧૯૭૮ જેટલા ડ્રાઈવર અને કંડક્ટર પોતાના પરિવારથી દૂર રહીને મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાની મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. આ ડ્રાઈવરો અને કંડક્ટરો ઉપરાંત મિકેનિકલ તથા વહીવટી વિભાગના કર્મચારીઓ પણ તહેવારના માહોલમાં સેવારત છે. કર્મચારીઓના આ અજોડ સમર્પણ અને ઉત્સાહને જાળવી રાખવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી હતી, જેમાં ડેપો ખાતે જ કર્મચારીઓ સાથે મળીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને તેમને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિશે વાત કરતા વોલ્વો ડેપો મેનેજર એન.વી. ઠુંમરે જણાવ્યું હતું કે, તહેવારોના દિવસોમાં પોતાના પરિવારથી દૂર રહીને પણ મુસાફરોને ઉત્તમ સેવા આપી રહેલા કર્મચારીઓની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે અને તેમને બિરદાવવા માટે જ આ નાનકડો પ્રયાસ કરાયો છે. બીજી બાજુ, ફરજ પર હાજર રહેલા કંડક્ટર કૌશલ ચૌધરીએ જણાવ્યું કે, મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તેઓ તહેવારના દિવસે પણ પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહ્યા છે, અને ડેપો પર સ્ટાફ સાથે મળીને ઉજવણી કરવાથી પરિવારથી દૂર હોવાનો અહેસાસ ઘણો ઓછો થઈ જાય છે.

મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગોધરા, ભાવનગર અને ભુજ સહિતના મુખ્ય રૂટો પર ૨૦૦થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. તહેવારની આ સિઝનમાં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા ઉત્તમ સંચાલનના પરિણામે માત્ર છેલ્લા ત્રણ દિવસમાં જ વધારાની ટ્રીપોના સંચાલનથી રાજકોટ ડિવિઝનને ૨૮ લાખ રૂપિયા જેટલી માતબર આવક પણ થઈ છે, જે વિભાગની સફળ કામગીરી દર્શાવે છે.

LATEST ARTICLES