સ્માર્ટફોન બજારમાં ટેકનોલોજી દિગ્ગજ મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ અને અત્યાધુનિક પ્રીમિયમ સ્માર્ટફોન ‘મોટોરોલા સિગ્નેચર 27’ વૈશ્વિક સ્તરે લોન્ચ કરી દીધો છે. માર્કેટમાં આવતાની સાથે જ આ ફોને ગ્લોબલ કેમેરા રેન્કિંગ પ્લેટફોર્મ ડીએક્સઓમાર્ક (DXOMARK) પર ઇતિહાસ રચતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ ઈમેજ બેંચમાર્કના 6ઠ્ઠા એડિશનમાં આ શક્તિશાળી ફોને શાનદાર 173 પોઈન્ટ્સ પોતાના નામે કર્યા છે. ખાસ વાત એ છે કે આ પ્રભાવશાળી દેખાવ સાથે મોટોરોલાના આ ફોને એપલના લોકપ્રિય આઈફોનને પણ પાછળ છોડી દીધો છે, કારણ કે આઈફોનને આ રેન્કિંગમાં 172 પોઈન્ટ્સ મળ્યા છે અને તે ત્રીજા સ્થાને સરકી ગયો છે, જ્યારે પ્રથમ સ્થાને 175 પોઈન્ટ્સ સાથે હુવેઈ પ્યુરા 80 અલ્ટ્રા બિરાજમાન છે.
કંપનીએ અગાઉના ફર્સ્ટ જનરેશન મોટોરોલા સિગ્નેચર સ્માર્ટફોનના 164 પોઈન્ટ્સની સરખામણીમાં આ નવા મોડેલ દ્વારા સીધા 9 પોઈન્ટ્સનો જબરદસ્ત સુધારો દર્શાવીને પોતાની ટેકનિકલ ક્ષમતા સાબિત કરી છે. ડીએક્સઓમાર્કના રિપોર્ટ મુજબ, સિગ્નેચર 27 નો કેમેરા અત્યંત બેલેન્સ છે જેની મદદથી ક્લિક કરવામાં આવતા ફોટો અને વીડિયોનું પરિણામ અતિભરપૂર અને ઉત્તમ આવે છે. આ ફોનનું પોટ્રેટ મોડ ફીચર પણ ખૂબ જ પ્રશંસનીય છે, જે ચહેરાના નેચરલ સ્કિનટોન, એક્યુરેટ એક્સપોઝર અને ઝીણવટભરી ડિટેલ્સને સંપૂર્ણ સંતુલન સાથે કેપ્ચર કરે છે. આ ઉપરાંત, ગ્રુપ ફોટોઝને હેન્ડલ કરવામાં પણ આ કેમેરા માહેર સાબિત થયો છે જે દરેક વ્યક્તિ પર ખૂબ જ ચોકસાઈથી ફોકસ કરે છે.
આ કેમેરા સેટઅપને વધુ મજબૂત અને પ્રોફેશનલ બનાવવાનું કામ તેનો ટેલિફોટો કેમેરા લેન્સ કરે છે, જે 3એક્સ ઓપ્ટિકલ ઝૂમ અને 6એક્સ સુધી શાનદાર ક્વોલિટી સપોર્ટ પૂરો પાડે છે. લો લાઈટ કંડિશનમાં પણ આ કેમેરામાં નોઈઝનું પ્રમાણ નહિવત જોવા મળે છે અને કુદરતી રંગો ખીલીને બહાર આવે છે. જો કે, અત્યાધુનિક હોવા છતાં કેટલીક મર્યાદાઓ પણ સામે આવી છે જ્યાં અત્યંત ડાર્ક સીનમાં દૂરથી ઝૂમ કરતી વખતે કલર શિફ્ટ થવાની અને ડિટેલ્સ થોડી ઘટે તેવી સમસ્યાઓ નજરે પડે છે, પરંતુ એકંદરે આ સ્માર્ટફોને ફોટોગ્રાફી પ્રેમીઓ માટે બજારમાં એક નવો ધોરણ સ્થાપિત કરી દીધો છે.
