JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભારતીય વાયુસેનાનું આઈ.એલ.-૭૬ પ્લેન લદ્દાખના ન્યોમા એરબેઝ પર ઉતર્યું

Nov 07, 2026 | 14:11 | By JAMNAGAR MIRROR
ભારતીય વાયુસેનાનું આઈ.એલ.-૭૬ પ્લેન લદ્દાખના ન્યોમા એરબેઝ પર ઉતર્યું
ભારતીય વાયુસેનાના રશિયન બનાવટના પરિવહન વિમાન આઈ.એલ.-૭૬ એ લદ્દાખના ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા ન્યોમા એરબેઝ પર સફળ લેન્ડિંગ કરીને વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. વાયુસેના માટે આ એક મોટી વ્યૂહાત્મક સફળતા છે.

નવી દિલ્હી ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય વાયુસેના (IAF) ના આઈ.એલ.-૭૬ એમડી (IL-76MD) ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે લદ્દાખના અત્યંત વ્યૂહાત્મક અને દુર્ગમ ગણાતા ન્યોમા એરબેઝ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. સમુદ્ર સપાટીથી અંદાજે ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત આ એરબેઝ ખાતે આ વિમાનનું લેન્ડિંગ થયું છે, જે આ સમગ્ર શ્રેણીના વિમાનો માટે વિશ્વભરમાં કોઈપણ જગ્યાએ કરાયેલું સૌથી વધુ ઊંચાઈ પરનું ટચડાઉન સાબિત થયું છે. વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ એરક્રાફ્ટની અજોડ ક્ષમતા અને તેના ક્રૂ મેમ્બર્સની અસાધારણ કુશળતા, ચોકસાઈ તથા વ્યાવસાયિકતાનું આ એક ઉત્કૃષ્ટ પ્રદર્શન છે.

આ મહત્ત્વપૂર્ણ એરબેઝ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી માત્ર ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે, જેના કારણે આ સફળતાનું સૈન્ય અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણું મોટું મહત્વ છે. હિમાલયના આ અત્યંત ઠંડા અને પાતળા હવાના પ્રદેશમાં ભારે ક્ષમતા ધરાવતા પરિવહન વિમાનનું સુરક્ષિત અવતરણ કરવું એ કોઈ લોખંડી ચણા ચાવવા સમાન હતું, પરંતુ ભારતીય વાયુસેનાના પાલટોએ પોતાની કાબેલિયત સાબિત કરી દીધી છે. આ અતિ-ઊંચાઈ વાળા પ્રદેશ પર સૈન્ય સાધનસામગ્રી અને જવાનોની અવરજવર માટે એરબેઝની સક્ષમતા હવે અનેકગણી વધી ગઈ છે, જે આપણી સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂત બનાવશે.

ભારતીય વાયુસેનાએ આ ઐતિહાસિક લેન્ડિંગને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે ભારતની વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાને વધુ બળ પૂરું પાડે છે. સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ આપવાની ભારતની ક્ષમતા આનાથી વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ છે. દુશ્મન દેશોની નજર હેઠળના આ સંવેદનશીલ ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની આ ગતિશીલતા દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ અજેય બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

LATEST ARTICLES