નવી દિલ્હી ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય વાયુસેના (IAF) ના IL-76MD પરિવહન વિમાને લદાખના વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા ન્યોમા એરબેઝ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ એરબેઝ સમુદ્ર સપાટીથી આશરે ૧૩,૦૦૦ ફૂટની અદભુત ઊંચાઈ પર આવેલું છે. આ લેન્ડિંગ સાથે આ વિમાને વિશ્વમાં કોઈપણ સ્થળે આટલી ઊંચાઈ પર સફળતાપૂર્વક ટચડાઉન કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાયુસેના દ્વારા સોશિયલ મીડિયા પર આ સફળતાની જાહેરાત કરવામાં આવી હતી, જે દેશની સૈન્ય તાકાતમાં વધુ એક સીમાચિહ્ન સમાન છે.
આ ઐતિહાસિક મિશન માત્ર વિમાનની ક્ષમતા જ નહીં, પરંતુ તેના ચાલક દળ (ક્રૂ મેમ્બર્સ) ની અસાધારણ કુશળતા, સચોટતા અને વ્યાવસાયિક સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અત્યંત પાતળી હવા, પ્રતિકૂળ હવામાન અને પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે આ પ્રકારનું ઓપરેશન પાર પાડવું એ અત્યંત જોખમી અને પડકારજનક હોય છે. ભારતીય વાયુસેનાના પાલટોએ પોતાની કાબેલિયતના બળે આ મુશ્કેલ મિશનને પાર પાડીને વૈશ્વિક સ્તરે ભારતની ઉડ્ડયન ક્ષમતાનો લોખંડી પુરાવો આપ્યો છે, જેનાથી સમગ્ર દેશમાં ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે.
આ નવું એરબેઝ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી માત્ર ૨૫ કિલોમીટરના જ અંતરે આવેલું છે, જે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ન્યોમા ખાતે આ ભારે પરિવહન વિમાનનું સફળ લેન્ડિંગ ભારતની વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. ભવિષ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં કે સરહદી વિસ્તારોમાં સૈનિકો અને ભારે લશ્કરી સાધનોની ઝડપી હેરફેર માટે આ એરબેઝ ગેમ-ચેન્જર સાબિત થશે. આ સીમાચિહ્નરૂપ સફળતાથી ભારતીય સેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે અને સરહદ પર દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ અભેદ્ય બની છે.
