JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કોઈમ્બતુરની અતિ આધુનિક લાઈબ્રેરીમાં પુસ્તકોની ગુણવત્તા સામે ગંભીર સવાલો, એઆઈના ઉપયોગ અને ભ્રષ્ટ ખરીદીની આશંકા

| By JAMNAGAR MIRROR
કોઈમ્બતુરની અતિ આધુનિક લાઈબ્રેરીમાં પુસ્તકોની ગુણવત્તા સામે ગંભીર સવાલો, એઆઈના ઉપયોગ અને ભ્રષ્ટ ખરીદીની આશંકા
તામિલનાડુની ૩૦૦ કરોડ રૂપિયાની કિંમતની પ્રતિષ્ઠિત પેરિયાર અરીવુલગમ લાઈબ્રેરીમાં ૧,૮૦0 જેટલા પુસ્તકોમાં ગંભીર તથ્યાત્મક ભૂલો અને બનાવટી લેખન સામે આવ્યું છે. પ્રખ્યાત લેખક પરુમાલ મુરુગને આ પુસ્તકોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના સંભવિત દુરુપયોગ અને પુસ્તક ખરીદી પ્રક્રિયામાં મોટા પાયે અનિયમિતતાઓ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

તમિલનાડુના કોઈમ્બતુર ખાતે સ્થિત અતિ આધુનિક અને ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પેરિયાર અરીવુલગમ લાઈબ્રેરી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. તમિલ સાહિત્યના જાણીતા લેખક પરુમાલ મુરુગને કરેલી એક ચોંકાવનારી તપાસમાં બહાર આવ્યું છે કે લાઈબ્રેરીના ચોથા માળે આવેલા તમિલ સેક્શનમાં રાખવામાં આવેલા 'અગલ વિલક્કુ પથિપગમ' દ્વારા પ્રકાશન પામેલા આશરે ૧,૮૦0 પુસ્તકોમાં ભારે ક્ષતિઓ છે. આ પુસ્તકોની અધિકૃતતા, ઊંચી કિંમતો અને તેમાં છપાયેલા ISBN નંબરોની વેલિડિટી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. લેખકનું માનવું છે કે આ પુસ્તકો માનવીય હસ્તક્ષેપ વગર સીધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરીને છાપવામાં આવ્યા હોય તેવી પ્રબળ શક્યતા છે, જે સાહિત્યિક જગતમાં ચિંતાનો વિષય બન્યો છે.

આ અનિયમિતતાઓની પોલ ખોલતા લેખકે અનેક ચોંકાવનારા ઉદાહરણો આપ્યા છે. 'સૂર્યા બાલુ' નામના લેખક દ્વારા લિખિત ૩૦૦ પાનાના 'નાલદિયાર વાઝવિન વાઝવિકટ્ટી' પુસ્તકની કિંમત ૧,૪૪૫ રૂપિયા રાખવામાં આવી છે, જે બજારમાં મળતા આવા જ અન્ય પુસ્તકોની સામાન્ય કિંમત ૩૫૦ રૂપિયાની સરખામણીમાં અત્યંત વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પુસ્તકમાં 'નાલદિયાર' ને એક તમિલ કવિ અને તત્વજ્ઞાની તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિકતામાં નાલદિયાર એ જૈન મુનિઓ દ્વારા રચિત ૪૦૦ પદોનો એક પ્રાચીન સંગ્રહ છે. આ ઉપરાંત, 'ધનલક્ષ્મી અર્જુન' ના નામે પ્રકાશિત અન્ય એક પુસ્તક 'તમિલનાડુ ઓરુ પારવાઈ' માં મુથુવેલુ સુબૈયા અય્યરને ૧૯૪૭માં તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે, જે તૈથ્યાત્મક ભૂલોની પરાકાષ્ઠા દર્શાવે છે.

આ સમગ્ર પ્રકરણમાં શંકાઓ ત્યારે વધુ ઘેરી બની જ્યારે જાણવા મળ્યું કે 'અગલ વિલક્કુ પથિપગમ' ઉપરાંત 'ફિનિક્સ પથિપગમ' ના પણ ૧૦૦ થી વધુ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે અને આ બંને પ્રકાશન ગૃહ એક જ સરનામું ધરાવે છે, વળી અનેક પુસ્તકો પર જૂન મહિનાની સીલ પણ જોવા મળી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર એ. રાજમોહને આ તથ્યાત્મક ભુલોની સખત આલોચના કરી છે અને અગાઉની સરકાર દરમિયાન પુસ્તક ખરીદી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મંત્રીએ જણાવ્યું કે ગત વર્ષના નવેમ્બરમાં ખરીદી પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ અંગે સત્તાવાર તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, તેમજ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

LATEST ARTICLES