JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગાઝિયાબાદથી અમેરિકા સુધીની સફર: ભારતીય મૂળની સબા હૈદરે ઇલિનોઇસમાં રચ્યો ઇતિહાસ

Nov 06, 2026 | 14:27 | By JAMNAGAR MIRROR
ગાઝિયાબાદથી અમેરિકા સુધીની સફર: ભારતીય મૂળની સબા હૈદરે ઇલિનોઇસમાં રચ્યો ઇતિહાસ
ગાઝિયાબાદની સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતી ભારતીય મૂળની સબા હૈદરે અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. તેઓ ઇલિનોઇસ જનરલ એસેમ્બલીમાં ચૂંટાયેલા પ્રથમ દક્ષિણ એશિયન મહિલા બનીને દેશનું ગૌરવ વધાર્યું છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લઈને અમેરિકાના રાજકારણના સર્વોચ્ચ શિખર સુધીની સબા હૈદરોની આ સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે. ઇલિનોઇસ રાજ્યની પ્રતિનિધિઓની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા સબાએ રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ અને વર્તમાન ઉમેદવાર પેટી ગસ્ટિનને ૮,૫૨૧ મતોના મસમોટા માર્જિનથી હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨માં તેઓ આ જ બેઠક પર માત્ર ૧,૦૦૦ મતોના માર્જિનથી પરાજિત થયા હતા, પરંતુ હાર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી અને આ વખતે શાનદાર પુનરાગમન કરીને ડુપેજ કાઉન્ટી બોર્ડમાં પોતાની જીત સુનિશ્ચિત કરી છે. આ ઐતિહાસિક વિજય સાથે તેઓ ઇલિનોઇસ જનરલ એસેમ્બલીમાં ચૂંટાયેલા પ્રથમ દક્ષિણ એશિયન મહિલા બન્યા છે, જે સમગ્ર ભારતીય સમુદાય માટે ગર્વની ક્ષણ છે.

સબા હૈદરની આ સફર જેટલી રોમાંચક છે તેટલી જ તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ અનોખી રહી છે. મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરના ઔરંગાબાદના વતની એવા સબાના પિતા નોકરી માટે ગાઝિયાબાદ સ્થાયી થયા હતા. એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે ગાઝિયાબાદની કોલેજમાંથી બી.એસસી.માં ટોપ કર્યું હતું અને ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી વાઈલ્ડલાઈફ સાયન્સમાં એમ.એસસી.ની પદવી મેળવી હતી. એયુએમયુમાં અભ્યાસ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ મેળવવાની સાથે વન્યજીવ ગણતરી જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૬માં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર અલી કાઝમી સાથે લગ્ન કર્યા પછી તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. અમેરિકા ગયાના શરૂઆતના વર્ષોમાં તેમણે ત્યાં સ્થિર થવા માટે સંઘર્ષ કર્યો અને યોગ શિક્ષિકા તરીકે પણ સેવાઓ આપી હતી.

આ ઐતિહાસિક વિજય બાદ સબાએ જણાવ્યું હતું કે આ સફળતા માત્ર તેમની એકલાની નથી પરંતુ તેમના પરિવાર અને સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે સૌથી પહેલા તેમણે ગાઝિયાબાદમાં રહેતી પોતાની માતાને ફોન કરીને આ ખુશખબર આપ્યા હતા. ચૂંટણીના દિવસે તેમની માતા ભારતમાં ઉત્સુકતાથી દર કલાકે ફોન કરીને પરિણામો વિશે પૂછપરછ કરી રહ્યા હતા. ડુપેજ કાઉન્ટી એ ઇલિનોઇસની બીજી સૌથી મોટી કાઉન્ટી છે જે લગભગ દસ લાખ નાગરિકોનું સંચાલન કરે છે. એક વન્યજીવ વૈજ્ઞાનિકથી લઈને અમેરિકામાં કાઉન્ટી બોર્ડના પ્રતિનિધિ બનવા સુધીની આ સફરે સાબિત કરી દીધું છે કે દ્રઢ મનોબળ અને સખત મહેનતથી કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે.

LATEST ARTICLES