JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કેરળ મલ્ટી-સ્ટેટ હાઉસીંગ સોસાયટી ફંડ કૌભાંડ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

Nov 06, 2026 | 14:26 | By JAMNAGAR MIRROR
કેરળ મલ્ટી-સ્ટેટ હાઉસીંગ સોસાયટી ફંડ કૌભાંડ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
કેરળ પોલીસની પ્રાથમિક એફઆઈઆરના આધારે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જનતાના નાણાંની હેરાફેરી કરવાના કેસમાં તપાસ એજન્સીએ ૮ લક્ઝરી કાર, સોનું અને શેર સહિત કુલ ૧૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત અને ફ્રીઝ કરી દીધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની કોચી ઝોનલ ઓફિસે ભારત લજ્ના મલ્ટી સ્ટેટ હાઉસીંગ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ (BLMSHCS) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સોસાયટી અને તેના સ્થાપક આર. પ્રેમકુમાર સાથે સંકળાયેલા ૧૨ અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા બાદ ઈડીએ અંદાજે ૧૦૩ કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ જપ્ત અથવા ફ્રીઝ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોર્શ, રોલ્સ-રોયસ, ટોયોટા વેલફાયર અને મર્સિડીઝ જેવી આઠ અત્યંત મોંઘી લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે ૭ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત, ૯.૬ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૪ કિલોગ્રામ સોનાનું જ્વેલરી, ૮૦ કરોડ રૂપિયાની કિંમતના શેરો, ૫ કરોડ રૂપિયાની અચલ સંપત્તિઓ અને ૧.૮૬ કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ પણ જપ્ત કે ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ઈડી દ્વારા આ વ્યાપક તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચેન્નાઈ, એર્નાકુલમ, કોઝિકોડ, ત્રિશૂર, થરુવનંતપુરમ અને મુન્નાર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી જગ્યાઓ પર હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર તપાસ પબ્લિક ડિપોઝિટ તરીકે એકત્ર કરવામાં આવેલા જનતાના નાણાંની કથિત ઉચાપત અને આર. પ્રેમકુમાર દ્વારા પોતાના તથા પરિવારના સભ્યોના નામે સંપત્તિ વસાવવા માટે આ ફંડના ગેરઉપયોગ સાથે જોડાયેલી છે. ઈડીએ આ કેસની તપાસ કેરળ પોલીસ દ્વારા પ્રેમકુમાર અને અન્ય લોકો વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરના આધારે શરૂ કરી હતી. એફઆઈઆરમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રેમકુમારે પોતાના પ્રભાવનો દુરુપયોગ કરીને થાપણદારો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા અને તેને પોતાના પરિવારના સભ્યોના ખાતામાં ડાયવર્ટ કર્યા હતા.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રેમકુમાર અને તેના સહયોગીઓએ સોસાયટીના ભંડોળને છૂપાવવા અને ફેરવવવાની પદ્ધતિ (લેયરિંગ) માટે અંદાજે ૩૨૦ જેટલા બેંક ખાતાઓ ઓપરેટ કર્યા હતા. આ ખાતાઓના ઊંડાણપૂર્વક વિશ્લેષણથી બહાર આવ્યું કે સોસાયટીની મિલકતોને નાણાકીય સંસ્થાઓમાં ગીરો મૂકીને ધિરાણ લેવામાં આવ્યું હતું અને તે નાણાંનો ઉપયોગ અંગત ફાયદા માટે તથા પરિવારના નામે સંપત્તિ ખરીદવામાં થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે દરોડા દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે કૌભાંડોના મુખ્ય સૂત્રધાર ગણાતા પ્રેમકુમાર હજુ પણ સોસાયટીના વહીવટ પર સક્રિયપણે નિયંત્રણ જાળવી રહ્યા હતા અને વિવિધ કાનૂની દસ્તાવેજો પર સહીઓ પણ કરી રહ્યા હતા. આ હાઇ-પ્રોફાઇલ કૌભાંડમાં ઉચાપત થયેલી રકમ સો કરતાં વધુ કરોડોમાં હોવાની આશંકા છે અને ઈડી દ્વારા આ મામલે વધુ સઘન તપાસ ચાલુ છે.

LATEST ARTICLES