અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સબા હૈદરે ડુપેજ કાઉન્ટી બોર્ડની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે પોતાના રિપબ્રિકન હરીફ અને વર્તમાન નેતા પેટી ગસ્ટિનને ૮,૫૨૧ મતોના મસમોટા માર્જિનથી પરાજય આપ્યો હતો. અગાઉ વર્ષ ૨૦૨૨માં તેઓ આ જ બેઠક પર માત્ર ૧,૦૦૦ મતોના પાતળા માર્જિનથી હારી ગયા હતા, પરંતુ પોતાની હિંમત અને સખત મહેનતથી તેમણે આ વખતે ભવ્ય પુનરાગમન કર્યું છે. ડુપેજ કાઉન્ટી એ ઇલિનોઇસની બીજા નંબરની સૌથી મોટી કાઉન્ટી છે જે લગભગ દસ લાખ નાગરિકોનું સંચાલન કરે છે, અને આ મહત્વપૂર્ણ પદ મેળવનાર સબા પ્રથમ સાઉથ એશિયન મહિલા છે.
૪૦ વર્ષીય સબા હૈદરની આ સફર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી શરૂ થઈને અમેરિકાના રાજકારણ સુધી પહોંચી છે જે અત્યંત પ્રેરણાદાયી છે. મૂળ બુલંદશહરના ઔરંગાબાદના વતની એવા સબાના પિતા રોજી-રોટી માટે ગાઝિયાબાદ આવ્યા હતા. અભ્યાસમાં શરૂઆતથી જ તેજસ્વી રહેલા સબાએ રામ ચમેલી ચઢ્ઢા વિશ્વાસ ગર્લ્સ કોલેજમાંથી બી.એસસી.માં ટોપ કર્યું હતું અને ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી વાઈલ્ડલાઈફ સાયન્સમાં એમ.એસસી. કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. યુનિવર્સિટીના દિવસોમાં તેમણે વાઈલ્ડલાઈફ સેન્સસ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૬માં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર અલી કાઝમી સાથે લગ્ન કર્યા પછી તેઓ કાયમ માટે અમેરિકા સ્થાયી થયા હતા.
અમેરિકા ગયાના શરૂઆતના વર્ષોમાં તેમણે એક સામાન્ય જીવન વિતાવ્યું અને ત્યાં યોગ શિખવાડવાનું કામ પણ કર્યું હતું. રાજકારણમાં પગ મૂકતા પહેલા તેમણે અમેરિકન સમાજમાં પોતાની ઓળખ બનાવી અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નોને નજીકથી સમજ્યા. ચૂંટણી જીત્યા બાદની પોતાની ખુશી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે વિજયની જાહેરાત થતાં જ તેમણે સૌથી પહેલા ગાઝિયાબાદમાં રહેતી પોતાની માતાને ફોન કરીને આ ખુશખબર આપી હતી. તેમની માતા ભારતમાં આખી રાત જાગીને ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહી હતી. ભારતથી અમેરિકા સુધીની આ સફરમાં યોગ શિક્ષિકાથી લઈને સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ બનવા સુધીની સબા હૈદરની આ સફર આજે અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે.
