JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કેરળ હાઈકોર્ટે મિની કૂપર અકસ્માત કેસમાં ચારેય આરોપીઓને આપી જામીન, મુખ્ય આરોપીની મુક્તિ ૧૦ દિવસ મોકૂફ

Nov 06, 2026 | 14:22 | By JAMNAGAR MIRROR
કેરળ હાઈકોર્ટે મિની કૂપર અકસ્માત કેસમાં ચારેય આરોપીઓને આપી જામીન, મુખ્ય આરોપીની મુક્તિ ૧૦ દિવસ મોકૂફ
કેરળ હાઈકોર્ટે કોચી પાસે ત્રણ યુવાનોના ભોગ લેનાર હાઈ-પ્રોફાઇલ મિની કૂપર અકસ્માત કેસમાં ચારેય આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક નિર્ણયો લોકભાવનાને બદલે કાયદાકીય પ્રક્રિયાના આધારે જ લેવાવા જોઈએ.

કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ કૌસર એડપ્પાગથ દ્વારા સુહૈલ સજીવ, નિનાવ, જોયાલ એન્ટો અને અમીન શાહ નામના ચારેય યુવાન આરોપીઓની જામીન અરજી પર આ મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. ગત ૧૧ ઓક્ટોબરના રોજ કોચી નજીક નેદુમ્બાસેરી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી મિની કૂપર કારે એક સ્કૂટરને ટક્કર મારતા આશરે ૨૧ વર્ષની વયના બે યુવતીઓ અને એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ મુખ્ય આરોપી સુહૈલ સજીવની કથિત ઉદ્ધતાઈભરી ટિપ્પણીઓને કારણે આ મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો અને તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અદાલતે આ કેસમાં પ્રવર્તતા મજબૂત જનરોષ અને લોકભાવનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ન્યાયિક નિર્ણયો ક્યારેય જનતાના અભિપ્રાય કે લાગણીઓથી પ્રભાવિત થઈને ન લઈ શકાય, પરંતુ તે સંપૂર્ણપણે કાયદા અને નિયત પ્રક્રિયા મુજબ જ થવા જોઈએ.

કોર્ટે સહ-આરોપીઓને તરત જ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ કાર ચલાવી રહેલા ૧૯ વર્ષીય મુખ્ય આરોપી સુહૈલ સજીવની મુક્તિ આગામી ૧૦ દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે તમામ આરોપીઓ ૧૯ વર્ષના યુવાન વિદ્યાર્થીઓ છે અને લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક કસ્ટડીના કારણે તેમની શૈક્ષણિક કારકિર્દી પર વિપરીત અસર પડી રહી છે. બીજી તરફ, સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કરતા રજૂઆત કરી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાનો પણ ગરીબ પરિવારના હતા અને તેઓ પોતાના પરિવારની એકમાત્ર આશા સમાન હતા. અદાલતે પૂછપરછ દરમિયાન તપાસની પ્રગતિ વિશે પણ પૂછપરછ કરી હતી, જેના જવાબમાં સરકારી પક્ષે જણાવ્યું હતું કે હજુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી બે અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.

દરમિયાન, આ ભયાનક અકસ્માતની વૈજ્ઞાનિક તપાસમાં એક મોટો ખુલાસો થયો છે જે પોલીસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો સાબિત થયો છે. મિની કૂપરનું નિર્માણ કરતી પ્રખ્યાત કંપની BMW દ્વારા વાહનની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી, જેમાં અકસ્માત થયો તેના પાંચ સેકન્ડ પહેલા કારની ઝડપ આશરે ૧૬૨ કિમી પ્રતિ કલાક હોવાનું બહાર આવ્યું છે. ક્રેશ ડેટા એનાલિસિસ રિપોર્ટ મુજબ, ડ્રાઇવરે ટક્કરના માત્ર એક સેકન્ડ પહેલા જ બ્રેક લગાવી હતી તે સમયે પણ કારની ઝડપ ૧૪૪ કિમી પ્રતિ કલાક હતી. અગાઉ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર અતિશય ઝડપે હોવાની જે આશંકા વ્યક્ત કરી હતી, તેને BMW ના આ ટેકનિકલ રિપોર્ટે સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. વાહનના એડવાન્સ્ડ ક્રેશ સેફ્ટી મોડ્યુલમાંથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે આ લક્ઝરી કારે માત્ર ૧૧ સેકન્ડમાં ૫૦૦ મીટરનું અંતર કાપ્યું હતું, જે કેસને મજબૂત આધાર પૂરો પાડે છે.

LATEST ARTICLES