કેરળ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે એટલે કે દિલ્હીમાં બંધારણ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા તેમજ મહિલાઓ અને યુવાનોના અધિકારોની મોટી મોટી વાતો કરે છે, પરંતુ કેરળમાં તેમની પાર્ટીનું વલણ બિલકુલ અલગ અને વિપરીત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ પોતાના રાજકીય ફાયદા માટે બંધારણ વિરોધી અને બિનસાંપ્રદાયિક વિરોધી શક્તિઓ સાથે હાથ મિલાવવામાં જરાય અચકાતી નથી. કેરળમાં કોંગ્રેસે ખુલ્લેઆમ જમાત-એ-ઇસ્લામી સાથે રાજકીય ગઠબંધન કર્યું છે, જેની વિચારધારા દેશના બંધારણીય માળખા અને સેક્યુલર મૂલ્યોની વિરુદ્ધ હોવા છતાં કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે.
વધુમાં રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસના સહયોગી પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે આ ગઠબંધનના મંત્રીઓએ ભૂતકાળમાં એવા નિવેદનો આપ્યા હતા કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય માત્ર ધર્મ, ધર્મ અને ધર્મ જ છે. ભાજપ અધ્યક્ષે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી ભલે દેશના યુવાનોના ભવિષ્યની મોટી મોટી વાતો કરતા હોય, પરંતુ કેરળમાં કોંગ્રેસ પક્ષે IUML ના દબાણ હેઠળ આવીને વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'PM SHRI' યોજના લાગુ કરવાનો ખુલ્લેઆમ ઇનકાર કરી દીધો છે, જે યુવાનોના ભવિષ્ય સાથે મોટો અન્યાય છે.
ચંદ્રશેખરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે એક તરફ તેઓ દેશભરમાં મહિલાઓના અધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ કેરળમાં તેમનું ગઠબંધન એવી શક્તિઓ સાથે છે જે મહિલાઓના અધિકારો છીનવીને તેમને ચાર દીવાલોની અંદર કેદ કરવા માંગે છે. એટલું જ નહીં, બંધારણની પવિત્રતાની દુહાઈ દેનારા રાહુલ ગાંધીની કેરળ શાખા રાજ્યમાં અસંવિધાનિક મુસ્લિમ અનામતનું ખુલ્લેઆમ સમર્થન કરી રહી છે. આ પ્રકારના બેવડા ધોરણો અને વિરોધાભાસી વલણ દ્વારા કોંગ્રેસની છદ્મ રાજનીતિ અને કથિત ભ્રષ્ટાચાર હવે જનતા સમક્ષ સંપૂર્ણપણે બેનકાબ થઈ ગયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
