અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એવા ૪૦ વર્ષીય સબા હૈદરે ડુપેજ કાઉન્ટી બોર્ડની ચૂંટણીમાં રિપબ્લિકન હરીફ અને વર્તમાન સભ્ય પેટી ગસ્ટિનને ૮,૫૨૧ મતોના મજબૂત માર્જિનથી હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. અગાઉ ૨૦૨૨માં તેઓ આ જ બેઠક પર ખૂબ જ ઓછા એટલે કે માત્ર ૧,૦૦૦ મતોથી હારી ગયા હતા, પરંતુ નિરાશ થયા વગર તેમણે પોતાની મહેનત ચાલુ રાખી અને આ વખતે શાનદાર વાપસી કરી. ઇલિનોઇસની આ બીજી સૌથી મોટી કાઉન્ટી છે જે લગભગ દસ લાખ નાગરિકોનું સંચાલન કરે છે, અને અહીં સબા હૈદરની જીત ભારતીય સમુદાય માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ સમાન છે.
આ ઐતિહાસિક વિજય બાદ મીડિયા સાથેની વાતચીતમાં સબા હૈદરે પોતાની અદ્ભુત સફર યાદ કરતા જણાવ્યું કે ગાઝિયાબાદથી લઈને અમેરિકાની જનરલ એસેમ્બલી સુધી પહોંચવાની આ સફર ગર્વથી ભરેલી છે. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તેમણે સૌથી પહેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે રહેતી પોતાની માતાને ફોન કરીને જીતની ખુશી વહેંચી હતી. પોતાની સફળતાનો શ્રેય પરિવાર અને દેશને આપતા તેમણે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ ૮૪ ના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ખૂબ જ સન્માન અને ગર્વની વાત છે.
સબા હૈદરનું મૂળ વતન ઉત્તર પ્રદેશના બુલંદશહેરનું ઔરંગાબાદ છે, પરંતુ તેમના પિતાજી નોકરી માટે ગાઝિયાબાદ સ્થાયી થયા હતા. અભ્યાસમાં હંમેશા તેજસ્વી રહેલા સબાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી વાઇલ્ડલાઇફ સાયન્સમાં એમ.એસ.સી. કર્યું હતું અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં કોમ્પ્યુટર એન્જિનિયર અલી કાઝમી સાથે લગ્ન કર્યા પછી તેઓ અમેરિકા ગયા હતા, જ્યાં યોગશિક્ષિકા તરીકે જીવન શરૂ કરીને રાજકારણના આ ઉચ્ચ શિખર સુધી પહોંચવાની તેમની સફર પ્રેરણાદાયી છે.
